ડાંગ જિલ્લાના છેવાડે આવેલા સુબિર તાલુકાના સરહદી વિસ્તારના ગામોને એસ.ટી. બસની સુવિધા મળી રહે તે માટે એક જાગૃત નાગરિક દ્વારા, દર માસે યોજાતા 'મુખ્યમંત્રીશ્રીના સ્વાગત કાર્યક્રમ'માં રજુઆત કરવામા આવી હતી. જેની ફળશ્રુતિ રૂપે આ વિસ્તારના અંતરિયાળ ગામોને એસ.ટી.બસની સુવિધા પ્રાપ્ત થવા પામી છે.
ડાંગ કલેક્ટર ભાવિન પંડ્યાની અધ્યક્ષતામાં યોજાયેલા જિલ્લા સ્વાગત કાર્યક્રમમા ચિંચવિહીર ગામના જાગૃત નાગરીક સખારામ લાસ્યાભાઈ ચૌધરીએ, સુબિર તાલુકાના પૂર્વપટ્ટીના ગામોને એસ.ટી. બસ સેવાનો લાભ આપવાની રજુઆત કરી હતી. જેને સંવેદના પૂર્વક લેતા કલેક્ટર ભાવિન પંડયાએ, S.T. વિભાગને આ અંગે હકારાત્મક કાર્યવાહીના દિશાનિર્દેશ આપ્યા હતા.
જેને પગલે વલસાડ એસ.ટી. ડિવિઝનના વિભાગિય નિયામકશ્રીએ તાત્કાલિક આહવાથી સુબિર અને ત્યાંથી ગારખડી, પીપલાઈદેવી જેવા દુર્ગમ વિસ્તારોને સાંકળતી મેટ્રોસિટી બસ સેવાનો પ્રારંભ કરતા, અરજદાર તથા ગ્રામીણ પ્રજાજનોમા ખુશીની લહેર વ્યાપી ગઈ છે. ઉલ્લેખનિય છે કે, ડાંગ જિલ્લાનાં વિશિષ્ટ ભૌગોલિક વિસ્તારોમા વાહન વ્યવહારનાં સીમિત સાધનો જોતા, વિધાર્થીઓ તથા ગ્રામીણ પ્રજાજનોના હિતને ધ્યાને રાખીને આ શિડ્યુલ શરૂ કરાયા છે.
સુબિર તાલુકાની મેટ્રો ઈન્ટરસિટી બસ સેવાના નિયત સમય પત્રક મુજબ (૧) આહવા-સુબિર : સવારે ૫:૦૦ વાગ્યે (૫૬.૬૨ કી.મી), વાયા ધવલીદોડ, ધુડા, પીપલાઈદેવી, ચિંચવિહીર, પીપલદહાડ, અને સુબિર (૨) સુબિર–ગારખડી : સવારે ૬:૪૦ વાગ્યે (૪૨.૫૩ કી.મી) વાયા પીપલદહાડ, બરડીપાડા, (૩) ગારખડી–સુબિર : સવારે ૮:૦૦ વાગ્યે (૪૨.૫૩ કી.મી), વાયા બરડીપાડા, પીપલદહાડ, (૪) સુબિર–પીપલાઈદેવી : ૯:૨૦ વાગ્યે, (૩૨.૩૭ કી.મી), વાયા પીપલદહાડ, ચિંચવિહીર, (૫) પીપલાઈદેવી–સુબિર : ૧૦:૩૦ વાગ્યે (૩૨.૩૭ કી.મી), વાયા ચિંચવિહીર, પીપલદહાડ, તથા (૬) સુબિર–આહવા : ૧૧:૪૦ વાગ્યે (૫૬.૬૨ કી.મી), વાયા સુબિર, પીપલદહાડ, ચિંચવિહીર, પીપલાઈદેવી, ધુડા તથા ધવલીદોડ રુટનો સમાવેશ કરાયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500