સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોર આમલી ગામમાં કદાવર દીપડાએ ધોળે દિવસે રસ્તા પર ચાલતા વાછરડા ઉપર ત્રાટક્યો હતો. ગામના બે શખ્સોએ આ ઘટના નજરે જોઈ બુમો પાડતા ગ્રામજનો દોડી આવી દીપડાના પંજામાંથી વાછરડાને બચાવ્યો હતો. દીપડાઓ રહેણાંક વિસ્તારોમાં ધસી આવી પશુઓને નિશાન બનાવી રહ્યા છે. પશુઓના મારણ કરવાની ઘટના વધતી જાય છે.
માંગરોળતા તાલુકાના મોરઆમલી ગામમાં ધોળે દિવસે ગામના રહેણાંક વિસ્તારની નજીક મુખ્ય માર્ગ ઉપર દીપડાએ એક વાછરડા પર હુમલો કરી ગળામાં પકડી લીધું હતું. આ સમયે સામે ગામના સભ્ય અને અન્ય એક વાહન ચાલક સ્થળ પર હાજર હતા તેઓની નજર સામે દીપડો વાછરડાને શેરડીના ખેતર ખેંચી રહ્યો હતો. આ બિહામણું દ્રશ્ય જોઈ તેમણે બુમા બુમ કરી હતી જેથી નજીકના રહેણાંક વિસ્તારમાં જ રહેતા ગ્રામજનો દોડી આવ્યા હતા અને દીપડાના પંજામાંથી વાછરડાને આબાદ બચાવી લીધું હતું છતાં દીપડો પોતાના શિકારને લેવા માટે શેરડીના ખેતર તરફ ફરી બે ત્રણ વાર આવ્યો હતો.
પશુપાલક વનિતાબેન ઠાકોરભાઈ વસાવા પોતાના પશુઓ ચરાવવા ગામ તરફની સીમમાં લઈ જતા હતા ત્યારે એક વાછરડું પાછળ રહી ગયું હતું. જેના પર દીપડાએ તરાપ મારી હતી. ગામના રહેણાંક વિસ્તાર નજીક કદાવર દીપડાએ દિવસના સમયે વાછરડાને શિકાર બનાવતા ગામના લોકો અને પશુપાલકોમાં હાલ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટના અંગેની જાણ ગામના ખેડૂતએ રેન્જ ફોરેસ્ટ ઓફ્સિરને કરતા વન વિભાગની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને દીપડાને ઝડપી લેવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500