‘વિકસિત ભારત વિકસિત ગુજરાત-નારી શક્તિ વંદન’ કાર્યક્રમ તથા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી અંતર્ગત ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની જિલ્લા કક્ષાની ઉજવણીનો કાર્યક્રમ વ્યારાના ડો.શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ ખાતે ધારાસભ્ના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગની ઉપસ્થિતીમાં ‘નારી શક્તિ વંદન’ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી ધારાસભ્યએ જણાવ્યું હતું કે, ‘નારી તું નારાયણી’ કોન્સેપ્ટ સાથે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધે તે માટે સરકારશ્રી દ્વારા સક્રિય પ્રયત્નો થયા છે. ઘણા નવીન આયામો સાથે સરકાર આગળ વધી જેના કારણે મહિલાઓનું સ્થાન ફક્ત ગૃહિણી સુધી સિમિત રહ્યું નથી. દ્રૌપદી મુર્મુ, નિર્મલા સિતારામ હોય કે તાપી જિલ્લાના છેવાડાની બહેન પદ્મશ્રી રમીલાબેન ગામીત આજે મહિલાઓ દરેક ક્ષેત્રે નામના મેળવી દેશને આગળ વધારી રહી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વ-સહાય જૂથો (SHGs)ની મહિલાઓને આત્મનિર્ભર ભારત અભિયાનનું મહત્વનું પરિબળ માન્યું છે ત્યારે તાપી જિલ્લામાં પણ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM) ના માધ્યમથી ગરીબ પરિવારોને સ્વ-રોજગાર અને કુશળ વેતન રોજગાર મેળવવા મહિલાઓને સક્ષમ બનાવવાની નેમ તાપી જિલ્લા તંત્રે લીધી છે.
ધારાસભ્યશ્રીએ વધુમાં ઉમેર્યુ હતું કે, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગ્રામીણ પરિવારોને, ખાસ કરીને મહિલાઓને આત્મનિર્ભર બનવા અને ભારતના વિકાસમાં યોગદાન આપવા માટે જરૂરી કૌશલ્યો અને સંસાધનો પ્રદાન કરીને સશક્તિકરણ કરવાની કામગીરીને વેગ મળ્યો છે. અંતે તેમણે સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંગે જાણકારી આપી ઉપસ્થિત મહિલાઓને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી સહિત મહાનુભાવોના હસ્તે મહિલા લાભાર્થીઓને સહાય/લાભ અર્પણ કરાયા હતા. આ સાથે મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી અંતર્ગત ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે વ્હાલી દિકરી યોજના, મહિલા સ્વાવલંબન યોજના, ગંગા સ્વરૂપા યોજનાના મંજુરી પત્રો વિતરણ અને તેજસ્વીની વિદ્યાર્થીઓને કિટ અને સન્માન પત્ર એનાયત કરાયા હતા.
સખી મંડળની બહેનોએ પોતાને મળેલા વિવિધ લાભો અંગે પ્રતિભાવો રજુ કર્યા હતા. નોંધનિય છે કે, નારી શક્તિ વંદના કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ માધ્યમથી સમગ્ર રાજ્યમાં ૧૩ હજારથી વધુ સ્વ-સહાય જૂથની ૧.૩૦ લાખથી વધુ મહિલાઓને રૂ.૨૫૦ કરોડથી વધુની સહાય અર્પણ કરી હતી. પાટણ જિલ્લા ખાતે યોજાયેલ રાજ્યકક્ષાના મુખ્ય કાર્યક્રમની સાથે તાપી જિલ્લામાં પણ 2 વિધાનસભા સહિત ચાર સ્થળોએ ‘નારી શક્તિ વંદના’ કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો. વ્યારા ખાતેના કાર્યક્રમમાં આગામી ચુંટણીને અનુલક્ષીને સૌ કોઇ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મહાનુભાવો સહિત ઉપસ્થિત બહેનોએ મતદાન જાગૃતિ અંગે સામુહિક શપથ ધારણ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઇ ગામીત દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા તાલુકાના વિવિધ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ સહિત બહોળી સંખ્યામાં મહિલા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500