Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિક્રમ લેન્ડરે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ફરીથી સોફ્ટ લેન્ડિંગ કર્યું, વિક્રમ લેન્ડરે તેની કામગીરી સફળ અને સરળ રીતે પાર પાડી

  • September 05, 2023 

વિક્રમ લેન્ડરે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ફરીથી સોફ્ટ લેન્ડિંગ કર્યું છે. અમારો હોપ ટેસ્ટ (કૂદકો મારીને બીજા સ્થળે જવું) સફળ રહ્યો છે. ખરેખર વિક્રમ લેન્ડરે તેની કામગીરી સફળ અને સરળ રીતે પાર પાડી છે. ISROના સૂત્રોએ માહિતી આપી હતી ચંદ્રયાન-૩નું વિક્રમ લેન્ડર ૨૦૨૩ની ૨૩, ઓગસ્ટે ચંદ્રના દક્ષિણધ્રુવ પર પહેલી જ વખત સફળ અને સલામતીપૂર્વક ઉતર્યું છે. અમે વિક્રમ લેન્ડરના હોપ ટેસ્ટ પહેલાંના (શિવ શક્તિ પોઇન્ટની) સ્થળની ધરતીની અને ત્યારબાદના નવા પોઇન્ટની ધરતીની એમ બંને ઇમેજીસ પણ જારી કરી છે. ISROના સૂત્રોએ એવી માહિતી આપી હતી કે, ૪ સપ્ટેબર, સોમવારે સવારે આઠ વાગે વિક્રમ લેન્ડરને સ્લિપિંગ મોડમાં મૂકી દીધું છે. વિક્રમનાં તમામ વૈજ્ઞાનિક ઉપકરણો પણ બંધ કરી દીધાં છે. જોકે વિક્રમ લેન્ડરનાં રિસિવર્સની કામગીરી ચાલુ રહેશે. વિક્રમ લેન્ડર હવે તેના જોડીદાર પ્રજ્ઞાન રોવર નજીકમાં જ નિરાંતની નિદ્રા લેશે.



હવે આજથી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ૧૪ રાત્રિનું કુદરતી ચક્ર શરૂ થશે. ચારે તરફ અંધકાર છવાઇ જશે અને સાથોસાથ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પરનું તાપમાન પણ (માઇનસ)૨૦૦ ડિગ્રી સેલ્સિયસ જેટલું અસહ્ય ટાઢુંબોળ થઇ જશે. ૧૪ રાતનું અને ઠંડુગાર ચક્ર ૨૦૨૩ની ૨૨, સપ્ટેમ્બરે પૂરૂ થશે. સૂર્યોદય થશે. સૂર્યનાં તેજ કિરણોની ઉર્જા બંને ઉપકરણોને મળશે. વિક્રમ  અને પ્રજ્ઞાન બંને જાગશે અને તેમની સંશોધન કામગીરી શરૂ કરશે એવી પૂરી આશા છે. વળી, આ બંને ઉપકરણો ૧૪ રાત્રિ દરમિયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પરના અતિ અતિ ઠંડાગાર માહોલમાં પણ ટકી રહી શકે તેની પૂરી કાળજી લીધી છે. ISROના સૂત્રોએ એવી માહિતી પણ આપી હતી કે, વિક્રમ અને પ્રજ્ઞાન બંને ૧૪ રાત્રિના ચક્કર બાદ ફરીથી જાગશે ત્યારે અમે તેનાં ઉપકરણોને ફરીથી સ્વિચ ઓન (ફરીથી કાર્ય કરવું) કરીશું.



પરિણામે વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર બંને તેની સંશોધન કામગીરી પણ ફરીથી શરૂ કરશે. વિક્રમ લેન્ડરનો હોપ ટેસ્ટ સફળ રહ્યો છે. અમે વિક્રમ લેન્ડરનાં એન્જિન્સ ફાયર કરીને તેને જરૂરી કમાન્ડ આપ્યોએટલે કે વિક્રમ ચંદ્રના દક્ષિણ ધ્રુવના મૂળ શિવ શક્તિ પોઇન્ટ પરથી હવામાં ઉંચે જઇને ૩૦-૪૦ સેન્ટીમીટર દૂરની જગ્યાએ ફરીથી જમીન પર સફળ રીતે ઉતર્યું છે. વિક્રમ લેન્ડરને સ્લિપિંગ મોડમાં મૂકતાં પહેલાં તેનાં સીએચએએસટીઇ (ચેસ્ટ), રંભા-એપી, આઇએલએસએ વૈજ્ઞાનિક ઉપકરણોએ પેલા નવા સ્થાને પણ તેની કામગીરી કરી હતી. સાથોસાથ, વિક્રમ લેન્ડરે મેળવેલી બધી માહિતી અમને અહીં પૃથ્વી પર મળી ગઇ છે.



ઉપરાંત વિક્રમ લેન્ડરમાંનાં બધાં ઉપકરણોને અને પેલા નાનકડા પ્રજ્ઞાન રોવરને બહાર આવવા માટેની રેમ્પ (સરળતાથી બહાર આવવાનો ઢોળાવ)ને તેની મૂળ સ્થિતિમાં મૂકી દીધાં છે. વિક્રમ લેન્ડરના આજના સફળ હોપ ટેસ્ટ પરથી ઇસરોના વિજ્ઞાનીઓને અને એન્જિનિયરોને ભવિષ્યના મૂન મિશન માટે પ્રેરણા મળશે. એટલે કે ભારતનાં ભાવિ મૂન મિશન ચંદ્રની માટી, પથ્થર, ખડકના નમૂના પૃથ્વી પર લાવી શકાય એવી સચોટ ટેકનોલોજી વિકસાવી શકાશે. ઉપરાંત, ભારતના ભાવિ અવકાશયાત્રીઓ ચંદ્રની ધરતી પર ઉતરી શકે તે દિશામાં પણ સચોટ આયોજન કરી શકાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application