વિશ્વ આરોગ્ય સંગઠન WHOની સ્થાપનાના ૭૫ વર્ષ પૂર્ણ થતાં ડાયમંડ જ્યુબિલીની ઉજવણી તેમજ તા.૭ એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસની 'સમર્પણ દિવસ' તરીકે ઉજવણીના ભાગરૂપે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા નવી દિલ્હી ખાતે આયોજિત સમારોહમાં ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ અને ઈન્ડિયન નર્સિંગ કાઉન્સિલનાં સભ્ય ઈકબાલ કડીવાલાને કેન્દ્રીય આયુષ અને મહિલા, બાળ કલ્યાણ રાજ્ય મંત્રી ડો.મહેન્દ્ર મુંજપરાના હસ્તે તેમની ઉત્કૃષ્ટ આરોગ્ય સેવાકીય કામગીરી બદલ એક્સેલન્સ એવોર્ડ અર્પણ કરીને સન્માનિત કરાયા હતા. દેશમાંથી સૌપ્રથમવાર ૧૧ નર્સિંગ ઓફિસરોને તેમની ઉત્કૃષ્ટ આરોગ્યલક્ષી સેવા અને કામગીરીને ધ્યાનમાં લઈને એક્સલન્સ એવોર્ડ આપીને બહુમાન કરાયું હતું.
જેમાં ગુજરાતમાંથી એકમાત્ર ઈકબાલ કડીવાલાની એવોર્ડ માટે પસંદગી થઈ હતી. જે બદલ આરોગ્ય અને સામાજિક ક્ષેત્રના અનેક મહાનુભાવો, અધિકારીઓ, આરોગ્યકર્મીઓ પ્રતિનિધિઓએ અભિનંદનની પાઠવ્યા હતા. નવી દિલ્હી સ્થિત સ્થિત વર્લ્ડ હેબિટેટ સેન્ટરના ગુલમોહર ઓડિટોરિયમમાં 'હેલ્થ ફોર ઓલ' ની થીમ પર આયોજિત સમારોહમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન-IMAના પ્રમુખ ડો. શરદકુમાર અગ્રવાલ, IMAના સેક્રેટરી જનરલ અને ઈન્ડિયન નર્સિંગ કાઉન્સિલના એક્ઝિક્યુટિવ મેમ્બર ડો.અનિલકુમાર જે. નાયક, નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશનના ચેરમેન ડો.અભિજીત શેઠ, WHO ના કન્ટ્રી હેડ અને ઈન્ડિયન નર્સિંગ કાઉન્સિલના પ્રમુખ પી.દિલીપકુમાર આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત, વહેલી સવારે નવી દિલ્હી ખાતે આઈ.એમ.એ. દ્વારા વિશ્વ આરોગ્ય દિવસને અનુલક્ષીને ૧૦૦૦થી વધુ ડોક્ટરો અને નર્સિંગ ઓફિસરો, નર્સિંગ સ્ટાફ દ્વારા વોકેથોન પણ યોજાઈ હતી. આ પ્રસંગે INCના પ્રમુખશ્રી ડો.દિલીપ કુમારે જણાવ્યું હતું કે, દેશના ઈતિહાસમાં પ્રથમવાર ઈન્ડિયન નર્સિંગ કાઉન્સિલ માટે ૧૧ નર્સિંગ ઓફિસરોને એવોર્ડ એનાયત થવા એ ગૌરવની ક્ષણ છે. કારણ કે ઇતિહાસમાં પ્રથમવાર નર્સિંગ કાઉન્સિલના ઓફિસરોનું રાષ્ટ્રીય લેવલે સન્માન થયું છે. જેની સરાહના કરી એવોર્ડ મેળવનાર આરોગ્ય ક્ષેત્રના આ સેનાનીઓને અભિનંદન પાઠવ્યા હતા.
અત્રે નોંધનીય છે કે, વર્ષ ૨૦૧૦માં રાષ્ટ્રપતિ એવોર્ડ પ્રાપ્ત કરનાર ઈકબાલ કડીવાલાએ તેમની ત્રણ દાયકાની સુદીર્ઘ સેવાસફર દરમિયાન પ્લેગ, પૂર, ભૂકંપ, કોરોના મહામારી, બ્લડ ડોનેશન અને મેડિકલ કેમ્પ આયોજન તેમજ બાળકો માટે શૈક્ષણિક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. આ પ્રસંગે દેશના નામાંકિત તબીબો, ગણમાન્ય મહાનુભાવો, નર્સિંગ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા. આઈ.એમ.એ.ના સેક્રેટરી જનરલ ડો.અનિલકુમાર નાયકે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500