Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કન્નડ સિનેમાનાં દિગ્ગજ અભિનેત્રી લીલાવતીનું 85 વર્ષની ઉમરે નિધન, અભિનેત્રી લીલાવતીએ 600થી વધુ ફિલ્મોમાં કર્યું હતું કામ

  • December 09, 2023 

કન્નડ સિનેમાના દિગ્ગજ અભિનેત્રી લીલાવતીનું 85 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયુ છે. તેમણે કર્ણાટકના નેલમંગલાની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. અભિનેત્રી લીલાવતીએ પોતાના પાંચ દાયકાના કરિયરમાં 600થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે પોતાના કરિયરમાં કન્નડ, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેત્રીને શ્વાસ લેવામાં ગંભીર સમસ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લીલાવતીના નિધનથી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. તમામ સેલેબ્સ અને ચાહકો સોશિયલ મીડિયા પર અભિનેત્રીના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે.




વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લીલાવતીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કરીને લીલાવતીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું. તેમણે લખ્યું-પ્રસિદ્ધ કન્નડ ફિલ્મ હસ્તી લીલાવતીજીના નિધન વિશે સાંભળીને દુ:ખ થયું. તેઓ સિનેમાના એક સાચા આઈકોન હતા. તેમણે પોતાની વર્સિટાઈલ એક્ટિંગથી સિલ્વર સ્ક્રીનની શોભા વધારી છે. તેમના વિવિધ પાત્રો અને અદ્ભૂત પ્રતિભા હંમેશા યાદ રાખવામાં આવશે અને તેમની પ્રશંસા કરવામાં આવશે. તેમના પરિવાર સાથે મારી સંવેદના. ઓમ શાંતિ.



અભિનેત્રી લીલાવતીના ફિલ્મી કરિયરની વાત કરીએ તો તેમના વિશાળ કરિયર દરમિયાન તેમણે 600થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાંથી 400થી વધુ કન્નડ ફિલ્મો હતી. તેમણે માંગલ્ય યોગ, ધર્મ વિજય, રાની હોન્નામા, બેવુ વેલ્લા, વાલાર પીરઈ, વાલ્મીકી, વાત્સલ્ય, નાગા પૂજા અને સંત તુકારામ સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે કન્નડ ફિલ્મના સુપરસ્ટાર ડો.રાજકુમાર સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમને ફિલ્મફેર એવોર્ડ અને ડો.રાજકુમાર લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.



દિગ્ગજ અભિનેત્રીના નિધન પર શોક વ્યક્ત કરતા કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ X પર લખ્યું કે, અનુભવી કન્નડ અભિનેત્રી લીલાવતીના નિધનના સમાચાર દુ:ખદ છે. હજુ ગત અઠવાડિયે જ તેમની બીમારી વિશે સાંભળ્યા બાદ હું તેમના ઘરની મુલાકાતે ગયો હતો અને તેમના આરોગ્ય વિશે પૂછ્યુ અને તેમના પુત્ર વિનોદ રાજ સાથે વાત કરી. મારો એ વિશ્વાસ ખોટો પડ્યો કે, અનેક દાયકા સુધી પોતાના મનમોહક અભિનયથી દર્શકોનું મનોરંજન કરનારા લીલાવતી સ્વસ્થ થઈ જશે અને વધુ સમય સુધી આપણી સાથે રહેશે. હું પ્રાર્થના કરું છું કે, મૃતકના આત્માને શાંતિ મળે અને તેમના પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ મળે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application