ગાંધીનગર શહેર નજીક આવેલા મગોડી ગામમાં રહેતા યુવાન અને તેના પરિવારના તેમજ અન્ય એક વ્યક્તિના કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને વેજલપુરમાં રહેતા દંપતી દ્વારા ૯૭.૮૦ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. કંપનીના બોગસ સ્પોન્સર લેટર પણ તેમને કઢાવી આપ્યા હતા. બનાવ અંગે મામલે ચિલોડા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી હતી. હાલમાં વિદેશ મોકલવાના બહાને લોકો સાથે લાખો કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ રહી છે ત્યારે આ વખતે ગાંધીનગર શહેર નજીક આવેલા મગોડી ગામમાં રહેતા મનીષ ગીરીશભાઈ પંડયા અને તેમના પરિવારના અન્ય ત્રણ સભ્યોને કેનેડાના વર્ક પરમિટ અપાવવાના બહાને વેજલપુર યોગેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા સુનિલ જોહનભાઈ મેકવાન અને તેમની પત્ની બ્રીજિતા મેકવાન દ્વારા છેતરમાં આવ્યા છે.
મળતી વિગતો પ્રમાણે મનીષભાઈને પરિવાર સાથે કેનેડા જવું હોવાથી તેમનો સંપર્ક સુનિલ મેકવાન દ્વારા કરવામાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે, તેઓ નિઝવાલ ઇન્વેસ્ટમેન્ટ કેનેડા નામની કંપનીમાં ભાગીદાર છે અને તેનું વર્ક પરમિટ તેમજ પીઆરનું કામ કરે છે. તમારા ઓળખીતાનું પણ અગાઉ કામ કરી આપ્યું હતું તેમનો વિશ્વાસ કેળવીને ચાર વ્યક્તિઓના કુલ ૮૦ લાખ રૂપિયામાં કામ કરવાનું નક્કી થયું હતું અને તેમના પાસપોર્ટ પણ મેળવી લીધા હતા. તબક્કાવાર સુનિલભાઈ દ્વારા માંગવામાં આવેલી રકમ મનીષભાઈ તેમને પહોંચતી કરી દેતા હતા તેમના પાસપોર્ટ પણ અગોરા મોલ ખાતે આવેલી એમ્બેસીમાં મોકલવામાં આવ્યા હતા.
જ્યાં આલ્ફા સ્ટાફિંગ સોલ્યુશન નામની કંપનીના જોબ કન્ફર્મેશન લેટર પણ તેમને આપવામાં આવ્યા હતા. જોકે ત્યારબાદ પણ કોઈ કાર્યવાહી થઈ ન હતી અને પાસપોર્ટ પરત આવ્યા હતા. જેથી તેમનું કામ દિલ્હીમાં અટક્યું હોવાનું કહીને દિલ્હી લઈ ગયા હતા અને ત્યારે માલુમ પડયું હતું કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. મનીષભાઈ સાથે ૭૩.૯૨ લાખ રૃપિયાની છેતરપિંડી થઈ હતી અને તેમના સંબંધી અતુલભાઈ માણેકલાલ ભટ્ટ સાથે પણ ૨૩.૮૮ લાખ રૃપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. જેના પગલે હાલ ચિલોડા પોલીસ દ્વારા આ દંપતી સામે ૯૭.૮૦ લાખની છેતરપિંડીનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500