દાદર ગામે દેમણી વિસ્તારમાં અદિબા પોલીમર નામની કંપની ધરાવતા ઉધોગપતિ અઝીઝઅહેમદ રફીકઅહેમદ ચૌધરી તેના મિત્ર જીસાનની સફેદ કલરની કમ્પાસ કાર નં.જીજે/15/સીકે/6454માં રૂપિયા 2,61,000/- ભરેલી બેગ લઈને વેપારીને રૂપિયા આપવા નીકળેલ હતા.
તે દરમિયાન સાંજે ડુંગરી ફળિયા સેન્ટ જોસેફ સ્કુલની સામે મેઈન રોડ ઉપરથી પસાર થતા હતા. ત્યારે એક મોટરસાઈકલ પર બે અજાણ્યા ઇસમોએ ઉધોગપતિ અઝીઝભાઈને ઈશારો કરી કહ્યું કે, તમારી ગાડીમાંથી ઓઈલ નીચે પડે છે તેમ કહી અઝીઝભાઈએ કાર રોકી કારમાંથી નીચે ઉતરી કારનું બોનેટ જોયું હતું. આ સમયે બોનેટ ઉપર ઓઇલના ડાઘ દેખાતા તેઓએ તેના મિત્ર અને કાર માલિક જીસાનને ફોન કર્યો હતો. જે બાદ જીસાન ત્યાં આવી પહોચ્યો હતો અને કારનું બોનેટ ખોલી જોતા અંદરથી કોઈ ઓઈલ બહાર આવતું નહોતું પરંતુ કોઈએ બોનેટ ઉપર બહારથી ઓઈલ નાખ્યું હતું તેવું જણાવ્યું હતું.
બધું બરાબર હોવાનું જણાતા અઝીઝભાઈ કારમાં બેસવા ગયા હતા. આ સમયે ડ્રાઈવરની બાજુની સીટ ઉપર મુકેલી રૂપિયા ભરેલી તેમની બેગ ગાયબ હોવાનું ધ્યાને આવ્યું હતું. આ સાથે જ બાઈક ઉપર આવેલા બે અજાણ્યા ઈસમો એ તેમનું ખોટી રીતે ધ્યાન ભટકાવી રૂપિયા ચોરી ગયાનું સમજાતા આ બનાવ અંગે અઝીઝભાઈ એ ડુંગરા પોલીસને ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500