વાપીનાં ડુંગરી ફળિયામાં ઘરમાં સૂતેલા પતિ-પત્નીને ચપ્પુ બતાવી ઉઠશો તો જાનથી મારી નાંખવાની ધમકી આપી કબાટમાંથી મંગળસુત્રની લૂંટ ચલાવી બે અજાણ્યા ઇસમો ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરતા તેમની ટીમ સ્થળે દોડી ગઇ હતી અને લૂંટારૂઓની શોધખોળ હાથ ધરાઇ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વાપી ડુંગરી ફળિયા કોળીવાડ રહેતા દીપકભાઇ જીવણભાઇ પટેલએ સોમવારે ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓ પોતે ખેડૂત છે અને તેમની પત્ની નીલમબેન ડુંગરા પીએચસીમાં આશા વર્કર તરીકે નોકરી કરે છે.
જોકે રવિવારે રાત્રે તેઓ પત્ની સાથે જમી પરવારીને સુઇ ગયા હતા અને તેમના નવા મકાનનું બાંધકામ ચાલુ હોય જેથી બાજુમાં પતરાનો શેડ બનાવી રહેતા છે. પરંતુ મળસ્કે 4 વાનગ્યાનાં અરસામાં ઘરમાં અચાનક કબાટ ખુલવાનો અવાજ આવતા બંને જણા ઉઠી ગયા હતા ત્યારે એક અજાણ્યો ઈસમ તેમની પાસે આવી ચપ્પુ બતાવી ધમકી આપેલ કે, ઉભા થશો તો જાનથી મારી નાખીશ અને કબાટમાં રાખેલ પાકીટની લૂંટ કરી ફરાર થઇ ગયો હતો. ત્યારબાદ તાત્કાલિક પોલીસને જાણ કરતા એક ટીમ તેમના ઘરે પહોંચી હતી તેમજ આજુબાજુમાં તપાસ કરતા તે વ્યક્તિ મળી આવ્યો ન હતો.
જયારે ભાગતી વખતે એક બીજો ઇસમ પણ દેખાતા તે બે લોકો હોવાનું ફરિયાદીએ પોલીસને જણાવ્યું હતું. થોડા આગળ જોતા પર્સ અને અંદર રાખેલ ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા. પરંતુ સોનાના મંગળસૂત્ર જેની કીંમત રૂપિયા 30,000/-ની લૂંટ કરી ફરાર થતા પોલીસે બે અજાણ્યા ઇસમો સામે લૂંટ અને ચપ્પુ બતાવવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500