વલસાડ જિલ્લા પોલીસે 30મી ડિસેમ્બરે જિલ્લાના 13 પોલોસ મથક હસ્તકની ચેકપોસ્ટ પર પીધેલા પકડવાની ડ્રાઈવમાં 940 જેટલા પીધેલાઓ સામે કાર્યવાહી કર્યા બાદ 31મી ડિસેમ્બરે પણ દમણ, સેલવાસ, મહારાષ્ટ્રમાંથી દારૂ પીને ગુજરાતમાં પ્રવેશનારા વધુ 1060 પીધેલાંઓને ઝડપી પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી કરી હતી. વલસાડ જિલ્લો લિકર ફ્રી ગણાતા સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ તથા મહારાષ્ટ્ર રાજ્યની સરહદને સ્પર્શતો જિલ્લો છે.
દર વર્ષે 31મી ડિસેમ્બરે હોટેલોમાં દારૂની મહેફિલ માણવા પ્રવાસીઓ જતા હોય છે. જેઓ દારૂ પી ને ગુજરાતમાં પ્રવેશે છે. ગુજરાતમાં દારૂબંધી હોય દારૂ પી ને ગુજરાતમાં આવતા પ્રવાસીઓ સામે વલસાડ પોલીસ એક્શન મોડમાં આવી ગુજરાતના પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી કરે છે.
આ અંગે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે વલસાડ પોલીસ દ્વારા 31 ફર્સ્ટ ડિસેમ્બરને ધ્યાને રાખી 39 આંતરરાજ્ય અને આંતરજિલ્લા ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. જેમાં 18 કાયમી ચેકપોસ્ટનો પણ સમાવેશ થાય છે. આ ચેકપોસ્ટ પર હાથ ધરાયેલ પીધેલા પકડવાની ડ્રાઈવમાં 30મી ડિસેમ્બરે 940 જેટલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
વલસાડ જિલ્લા પોલીસ દ્વારા હાથ ધરાયેલ ઝુંબેશ માં 31મી ડિસેમ્બરે સેલવાસ, મહારાષ્ટ્ર, દમણમાં દારૂની મહેફિલ માણી ગુજરાતમાં પ્રવેશનારા અને ફાર્મ હાઉસમાં મહેફિલ માણનારા કુલ 1060 જેટલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. 31st ના એક જ દિવસમાં જિલ્લાના 13 પોલીસ મથકમાં પકડેલા પીધેલાઓની વિગતો જોઈએ તો, વલસાડ રૂલર - 113, વલસાડ સીટી - 130, વલસાડ ડુંગરી - 111, પારડી - 309, ભિલાડ - 137, ઉમરગામ - 84, ઉમરગામ મરીન - 54, ધરમપુર - 85, કપરાડા - 68 નાનાપોઢા - 102, વાપી ટાઉન - 324, વાપી GIDC - 207, વાપી ડુંગરા - 266 મળી કુલ 1990 પીધેલાઓ પકડી પોલીસ મથકમાં લાવ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે દર વર્ષે દમણ, સેલવાસ કે મહારાષ્ટ્ર જેવા લિકર ફ્રી પ્રદેશ કે રાજ્યમા જઈ દારૂની મહેફિલ માણી કાર, બાઇક કે અન્ય વાહનો મારફતે ગુજરાતમાં પ્રવેશતા લોકો બળાપો ઠાલવતા હોય છે કે તેઓએ ગુજરાત બહાર દારૂનું સેવન કર્યું છે. તેમ છતાં પોલીસ તેમને પકડે છે.
જે અનુસંધાને વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપસિંહ ઝાલાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ગુજરાત પ્રોહિબિશન એક્ટમાં સ્પષ્ટ જોગવાઈ છે કે, કોઈ પણ પ્રતિબંધિત નશાની હાલતમાં ગુજરાતમાં પ્રવેશવું એ કાયદાનું ઉલંઘન છે. એટલે એ અનુસંધાને તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. This is law of the land, so everyone should respect the law of the land (આ જમીનનો કાયદો છે, તેથી દરેક વ્યક્તિએ જમીનના કાયદાનું સન્માન કરવું જોઈએ) જિલ્લા પોલીસવડા ના જણાવ્યા મુજબ વલસાડ પોલીસ દ્વારા કોવિડ ગાઇડલાઇન મુજબ આરોપીઓની ધરપકડ કર્યા બાદ સંક્રમણ ના ફેલાય તે ધ્યાન રાખી વિશેષ આયોજન કરવામાં આવે છે.
સોશિયલ ડિસ્ટન્સ ને ધ્યાન રાખી કરાતા આયોજન માટે હોલ ભાડે રાખવામાં આવે છે. તેમજ પોલીસ સ્ટેશન સંકુલમાં મંડપ પણ બાંધવામાં આવે છે. અને આરોગ્યની મેડિકલ ટીમ દ્વારા દરેક પકડાયેલ વ્યક્તિની આરોગ્ય ચકાસણી કરવામાં આવે છે. પ્રોહીબિશન એકટ હેઠળના આ ગુન્હામાં પકડાયેલ તમામ લોકો વિરુદ્ધ bailable offence (જામીનપાત્ર ગુનો) અને non bailable offence (બિનજામીનપાત્ર ગુનો) હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. જેમાં જામીનપાત્ર ગુન્હામાં પોલીસ મથકે જ જામીન લઈ મુક્ત કરવામાં આવે છે. તેમજ અન્ય કેટલાકને કોર્ટમાં રજૂ કરી જામીન પર મુક્ત કરવામાં આવે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500