વલસાડમાં આજે વહેલી સવારે મેઘરાજા મન મૂકીને વરસતા શહેરનાં છીપવાડ, MG રોડ, અબ્રામા વિસ્તાર, તીથલ રોડ, હાલર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. જોકે MG રોડ, નાની ખાત્રીવાડ સહિતના વિસ્તારોમાં આવેલી કાપડની દુકાનોમાં વરસાદી પાણી ભરાયા હતા. જયારે ભારે વરસાદને પગલે દુકાનદારોને પોતાની દુકાનનો સામાન સલામત સ્થળે ખસેડવાની નોબત આવી હતી.
વલસાડ જિલ્લામાં હવામાન વિભાગની અગાહીને વરસાદી માહોલ જામ્યો છે. વલસાડ શહેર સહિત જિલ્લામાં સર્વત્ર વરસાદ વરસ્યો છે. જિલ્લામાં વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈ ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયાં હતાં અને શહેરનાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તેમજ ગરનાળામાં પણ વરસાદી પાણીનો ભરાવો થતાં અનેક વાહન ચાલકો અટવાયા હતા.
વલસાડમાં વહેલી સવારે 4 કલાકમાં 6 ઈંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેને પગલે રોડ-રસ્તા પર પાણી ભરાયાં હતાં તેમજ રસ્તાઓમાં નદીઓ વહેતી થઈ હતી. વીજળીના કડાકાભડાકા સાંબેલાધાર વરસાદ ખાબક્યો હતો. શહેરમાં ધોધમાર વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાતાં પાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રી-મોન્સૂન કામગીરી પર વેપારીઓ સહિતનાઓએ અનેક સવાલો ઉઠાવ્યા છે. જિલ્લામાં રાત્રે પડેલા વરસાદ પર એક નજર કરીએ તો વલસાડમાં 158 MM, વાપીમાં 50 MM, પારડી 80 MM, ધરમપુર 23 MM, કપરાડા 9 MM અને ઉમરગામ તાલુકામાં 4 MM વરસાદ વરસ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500