વલસાડના પારડી તાલુકાના ઓરવાડ અને ધગડમાળ ગામેથી વલસાડ એસઓજીની ટીમે વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો ઝડપી પાડયો હતો. આ સાથે જ બે આરોપીની ધરપકડ કરાઈ હતી. જયારે ગુનામાં સામેલ અન્ય બે આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, વલસાડ એસઓજીને મળેલી ચોક્કસ બાતમીને આધારે પારડીના ઓરવાડ વિસ્તારમાં આવેલા આશિષ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર ૧૦૧માં દરોડો પાડવામાં આવ્યો હતો.
આ દરમિયાન ફ્લેટમાંથી બોક્સ પલંગમાં સંતાડેલો ૧ કિલો ૮૮૭ ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો મળી આવ્યો હતો. આમ, પોલીસે ગાંજો (કિંમત રૂપિયા ૧૮,૮૭૦) ઉપરાંત ગાંજો વેચી મેળવાયેલા રૂપિયા ૧,૧૫,૪૦૦ રોકડા અને સાથે મળેલો એક મોબાઈલ ફોન (કિંમત ૫,૦૦૦) મળી કુલ રૂપિયા ૧,૩૯, ૨૭૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતી. આ સમયે પોલીસે અશોક હીરાલાલ અગ્રવાલની ધરપકડ કરી હતી.
જ્યારે તેને ગાંજો પૂરો પાડનાર ગફુર નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો. એક અન્ય કેસમાં એસઓજી પોલીસે ધગડમાળ ગામે પણ દરોડો પડ્યો હતો. અહીં નિશાળ ફળિયામાં દરોડા દરમિયાન વિનોદ સાધુ સિંહ કાંબોજ, રાજપૂતના ઘરમાંથી ટીવી મૂકવાના ટેબલના ખાનામાંથી ૪૦૧ ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજો અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૯,૦૧૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે વિનોદને ગાંજો પૂરો પાડનાર ઓરવાડના ઝંડા ચોક ખાતે રહેતા સુરેશ ઉર્ફે અશોકને વોન્ટેડ જાહેર કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500