સંઘ પ્રદેશ દમણનાં જમપોર બીચ પર પેરાસિલિંગ કરવા આવેલા સહેલાણીઓ હવામાંથી નીચે પટકાયા હતા. જેમાં બે સહેલાણીઓ અને એક ટ્રેનર નીચે પટકાતાં ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સારવાર અર્થે વાપી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવની વિગત એવી છે કે, વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ ખાતે ગરમીનાં કારણે વેકેશન માણવા મોટી સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે.
દમણ ખાતે આવેલા જમપોર બીચ ઉપર લોકો મજા માણવા આવતા હોય છે. ત્યારે બીચ ઉપર મજા માણવા આવેલા સહેલાણીઓ બીચ ઉપર મુકવામાં આવેલા એડવેન્ચર સ્પોર્ટ્સની મજા લેતા જોવા મળે છે. જેમાં દમણનાં જમપોર બીચ ઉપર મુકવામાં આવેલા એડવેન્ચર સ્પોર્ટ્સ કરતા સમયે સહેલાણીઓ સાથે એક દુર્ઘટના ઘટી હતી. બીચ ઉપર મુકવામાં આવેલા પેરાસિલિંગમાં બે સહેલાણીઓ અને ટ્રેનર એમ ત્રણ જણા પેરાસિલિંગ કરવા માટે હવામાં ઉડ્યા હતા.
જેમાં અચાનક હવા બદલાતાં સહેલાણીઓ અને ટ્રેનર હવામાંથી નીચે પટકાયા હતા. સહેલાણીઓ અને ટ્રેનર નીચે પટકાતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમને પહેલા દમણ ખાતે સારવાર આપવામાં આવી હતી. જેના બાદ તમામને વાપીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, ચોમાસાની શરૂઆત પહેલા હવાની ગતિમાં વધારો થાય છે અને પવનની દિશા બદલાતી રહે છે.
ત્યારે આવા સમયે એડવેન્ચર સ્પોર્ટ્સ બંધ રાખવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો રૂપિયાની લાલચે જોખમી સ્પોર્ટ્સ ચાલુ રાખે છે, ત્યારે આ દુર્ઘટનાને પગલે પ્રવાસન વિભાગ દ્વારા પણ આ બાબતે ધ્યાન આપવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500