વલસાડ જિલ્લામાં 100 ટકા વેક્સિનેશનના લક્ષ્યાંકને પહોંચવા દિવ્યાંગ, શારીરિક રીતે અશકત અને પથારીવશ લોકો માટે આરોગ્ય શાખા દ્વારા હેલ્પ લાઇન શરૂ કરાઇ છે. જેમાં નંબર 02632-253381 ઉપર ફોન કરવાથી ઘરે આવીને કોરોના વેક્સિન આપવાની નવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં 18 વર્ષથી મોટી ઉંમરના લોકો કે જેઓ દિવ્યાંગ, શારીરિક રીતે અશક્ત કે પથારીવશ છે જેમને કોવિશીલ્ડ અને કોવેક્સિન રસીનો પ્રથમ ડોઝ લેવાનો થતો હોય અથવા પ્રથમ કોઝ કોવિશીલ્ડ લીધાના 84 અને કોવેકસિન લીધાના 28 દિવસ પછી બીજો ડોઝ લેવાનો થતો હોય તેઓએ હેલ્પલાઇન નંબર ઉપર સવારે 9થી સાંજના 5 વાગ્યા દરમિયાન ફોન કરી વેકસિન લેનારની વિગત જેવી કે, મોબાઇલ નંબર, રહેણાંકનું પુરૂ સરનામું, વેકસિનનો પ્રકાર તેમજ પ્રથમ કે બીજા ડોઝની માહિતી લખાવવાની રહેશે. ત્યારબાદ હેલ્પલાઇન કંટ્રોલ રૂમમાંથી નજીકના સંબંધિત વિસ્તારના આરોગ્ય કેન્દ્ર દ્વારા લાભાર્થીઓને વેકસિનની સેવા લાભાર્થીને ઘરે પુરી પાડવામાં આવશે. વેકસિનના સ્ટોકની ઉપલબ્ધી, વેક્સિન સેશનના સમય જે તે આરોગ્ય કેન્દ્રના લાભાર્થીની સંખ્યા વગેરે બાબતો તથા વેક્સીન ગાઇડલાઇનને અનુસરીને હેલ્પ લાઇનમાં મળેલી માહિતી બાદ 24 થી 48 કલાકમાં લાભાર્થીને ઘરે વેક્સિન આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
પરંતુ જયારે વેક્સિનેશન ટીમ ઘરે આવે ત્યારે લાભાર્થીએ પોતાનું આધાર કાર્ડ, મોબાઇલ નંબર તથા લીધેલા વેક્સિન ડોઝની વિગત સ્થળ ઉપર અચુકપણે રાખવાની રહેશે. વલસાડ જિલ્લાને 100 ટકા વેક્સિનેશન કરવા માટે આરોગ્ય શાખા દ્વારા નવો જ અભિગમ શરૂ કરાયો છે. હાલ જિલ્લામાં નિયત કરેલ કોરોના વેક્સિન સેન્ટર ખાતે લોકો આવી રસી મુકાવે છે, પરંતુ હજુ એવા પણ લોકો છે. જે વેકસિન સેન્ટર સુધી આવી નથી શકતા તેવા નાગરિકો માટે ઘર બેઠા કોરોના વેક્સિન લઇ શકે તેવી વ્યયવસ્થા કરવામાં આવી છે જેનો રહી ગયેલા લોકો લાભ લઈ શકે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500