ધરમપુર તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભામાં કરોડોના વિકાસના સૂચિત કામોમાં કામો નહીં લેવાયા હોવાના આક્ષેપ સાથે વિરોધ પક્ષના નેતા બાળુભાઈ સિંધા અને અપક્ષ સભ્ય કલ્પેશ પટેલે નારાજગી સાથે રજુઆત કરી વિપક્ષી સભ્યો તાલુકા પંચાયની બહાર બહાર ધરણા પર ઉતર્યા હતા.
ધરમપુર તાલુકા પંચાયના પ્રમુખ રમીલાબેન ગાંવિતની અધ્યક્ષતામાં મળેલી ખાસ સામાન્ય સભામાં 15માં નાણાંપંચ વર્ષ 2020-21ની ગ્રાન્ટ 3.6 કરોડ અને અને વર્ષ 2021-22ની સંભવિત ગ્રાન્ટ 2.26 કરોડ મળી કુલ રૂપિયા 5.33 કરોડની સામે રૂપિયા 7.39 કરોડના તાલુકા આયોજન સમિતિને મળેલી દરખાસ્ત મુજબના સૂચિત 223 વિકાસના કામોના બે વર્ષના આયોજન રજૂ કરાયા હતા. જોકે આ સૂચિત કામોમાં સરકારની ગાઈડલાઈન મુજબ ફેરફાર થવાની વાત પણ થઈ હતી.
ત્યારે આ કામોમાં નાની ઢોલડુંગરી તાલુકા પંચાય બેઠકના અપક્ષ આદિવાસી સભ્ય કલ્પેશ પટેલે તેમને સૂચવેલા કામો આયોજનમાંથી નીકળી ગયા હોવાનો આક્ષેપ કરી તેમના મત વિસ્તારમાં સમાવિષ્ટ પાંચ ગામોના લોકો સરકારમાં ટેક્ષ નથી આપતા એવો પ્રશ્ન ઉઠાવી પત્રકારોને પણ સભામાં બોલાવવામાં આવતા નથી એમ જણાવી નારાજગી વ્યક્ત કરી વાંધો ઉઠાવી કામોની સ્પષ્ટતાની માંગ કરી હતી. વિરોધ પક્ષના નેતા બાળુભાઈ સિંધાએ બધા તાલુકામાં સરખું આયોજન કરાયું છે એમ કહી કામો નહીં લેવાયા હોવાનો બળાપો ઠાલવ્યો હતો.
સભા પૂર્ણ થતાં બાળુભાઈ સિંધા, અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ અને વિપક્ષી સભ્ય કાળુભાઈ બાબલ્યાભાઈ તુંબડા, રેખાબેન રાજેશભાઈ પટેલ, ધીરુભાઈ ઈકલભાઈ અને રેખાબેન અમ્રતભાઈ પટેલ તાલુકા પંચાયના પટાંગણમાં ઝરમર વરસાદમાં ધરણા પર બેસી ગયા હતા. આ ઉપરાંત સભામાં કલ્પેશ પટેલે પ્રવાસીઓની સુવિધા માટે બીલપુડી ધોધનો રસ્તો બનાવવા, રખડતા ઢોરની સમસ્યાના નિરાકરણ અને બેંક દ્વારા આદિવાસીઓને ગાયની લોન બંધ કરાઈ હોવાની રજુઆત કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500