નવસારીનાં ખેરગામ તાલુકાનાં નવા વલસાડ રોડ દશેરા ટેકરી તરફ જવાના રોડ પર આવેલ ગુલાબભાઇ ડોક્ટરની બાજુમાં બાઇક ચાલક પૂરઝડપે હંકારી લાવતા સ્લીપ થઇ જતા પાછળ બેઠલ એક યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે બાઇક ચાલકને અન્ય એક યુવાનને ઓછી વધતી ઇજાઓ થઇ હતી. મળતી માહિતી મુજબ, ખેરગામ બંધાર ફળિયા જનતા સ્કૂલની બાજુમાં રહેતા પ્રવિણભાઇ મુળજીભાઇ રાઠોડે ખેરગામ પોલીસ મથકે ફરિયાદ આપતા જણાવ્યું કે ખેરગામ બંધાર ફળિયાના દર્પણ રણજીતભાઇ પટેલ (ઉ.વ.20) પોતાની બાઇક નંબર GJ/21BK/7296 ઉપર તેમના ભત્રીજા શાહીલ સંજયભાઇ રાઠોડને દવાખાને લઇ ગયા હતા સાથે બ્રિજેશ સંજયભાઇ રાઠોડ પણ આવ્યા હતા. ત્યારે દશેરા ટેકરી તરફ જતા રોડ પર બાઇક પરથી બેલેન્સ ગુમાવતા બાઇક સ્લીપ થઇ ગઇ હતી.
જોકે બાઇકની પાછળ બેસેલા બ્રિજેશ સંજયભાઇ રાઠોડ (રહે.ખેરગામ, બંધાર ફળિય, જનતા સ્કૂલની બાજુમાં, તા.ખેરગામ) રોડ પર ફંગોળાઇ જતા માથાનાં ભાગે અને ગળાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. શાહીલ સંજય રાઠોડને પણ માથાના ભાગે અને પગે ઇજા થઇ હતી. જ્યારે બાઇક ચાલક દર્પણ પટેલને ઓછી વધતી ઇજા થઇ હતી. તમામને સારવાર માટે લઇ જતા બ્રિજેશ સંજય રાઠોડનું સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટનાની ફરિયાદ કરતા વધુ તપાસ પી.એસ.આઇ. કરી રહ્યાં છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500