વલસાડનાં અટગામ ગામનાં જોટિંગ તળાવ ફળિયામાં રહેતા માતા અને પુત્ર ગતરોજ સાંજે રોણવેલ ગામે રહેતા ફોઈનાં ઘરે જતા હતા. ત્યારે કાંજણ રણછોડ અને ભોમાપારડી ગામ વચ્ચેથી પસાર થતી વાંકી નદીનો કોઝવે પરથી ધસમસ્તા પાણીના પ્રવાહમાં મા અને દીકરો ખેંચાયા હતા. જોકે રોડની સાઈડ ઉપર ઉભેલા સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ફરતા પુત્રનો બચાવ થયો હતો. જ્યારે માતા પાણીમાં તણાઈ ગઈ હતી.
ઘટનાની જાણ થતા વલસાડ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઈ હતી અને લાપતા થયેલી માતાની શોધખોળ મોડી રાત સુધી ચાલી રહી હતી. હજુ લાશનો કોઈ પત્તો લાગ્યો ન હતો. વલસાડ જિલ્લાની સાથે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને લઈને વલસાડ જિલ્લાનાં ઉપરવાસમાં પડી રહેલા વરસાદને લઈને વલસાડ જિલ્લાની નદીઓ 2 કાંઠે વહેવા લાગી છે.
જિલ્લામાં ભારે વરસાદ પડતા ઠેર ક્રોઝવે, ચેકડેમ, નદી પાણીથી ભરાઈ ગયા છે. ત્યારે વલસાડ તાલુકાના અટગામ ગામના જોટિંગ તળાવ ફળિયામાં રહેતો પુત્ર શૈલેષભાઈ અરવિંદભાઈ પટેલ તથા તેની માતા મીરાબેન પટેલ સાથે તેઓ વલસાડના રોણવેલ ગામે રહેતી ફોઈના ઘરે પોતાની બાઈક ઉપર જવા માટે વલસાડના ભોમાપારડી ગામ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા.
તે દરમિયાન કાંજણ રણછોડ અને ભોમાપારડી ગામ વચ્ચેથી પસાર થતી વાંકી નદીનાં કોઝવે ઉપરથી નદીનાં ધસમસ્તા પાણીમાંથી બાઈક લઈ જતી વખતે નદીમાં વહેતા પાણીનાં પ્રવાહમાં બાઈક તણાઈ જતા મા અને દીકરાએ બૂમાબૂમ કરી હતી. પુલ ઉપરથી બુમાબુમ સાંભળતા સ્થાનિક લોકો અને રાહદારીઓ તેમજ સ્થાનિક યુવાનો દોડી જઈ ડૂબી રહેલા માતા પુત્ર પૈકી પુત્ર શૈલેષ પટેલને બચાવવામાં સફળતા મળી હતી. જ્યારે માતા મીરાબેન પટેલ પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી.
ઘટનાની જાણ થતા વલસાડ ફાયર બ્રિગેડની ટીમ દોડી જઈ મીરાબેન પટેલની શોધખોળ શરૂ કરી છે. અત્યાર સુધીની શોધખોળમાં માતા મીરાબેન પટેલની કોઈ ભાળ મળી ન હતી. વલસાડ રૂરલ પોલીસની ટીમ દોડી જઈ આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500