વલસાડમાં નાળિયેરી પૂનમની મોટી ભરતીનાં કારણે દરિયો તોફાની બનતાં સમુદ્રી કિનારાને લાગૂ આવેલા નાનીદાંતી મોટીદાંતી ગામના 250 જેટલા ઘરોમાં પાણી ભરાઇ જતાં રહીશો અત્યંત દયનીય પરિસ્થિતિમાં મૂકાઇ ગયા હતા. જયારે કાચા મકાનોની દિવાલો તૂટી જતાં ઉપર આકાશ નીચે ધરતી જેવી હાલત થઇ ગઇ હતી. નાળિયેરી પૂનમે દર વર્ષે દરિયો તોફાની બને છે અને ગતરોજ પણ આ સ્થિતિ સામે આવી હતી.
વલસાડ જિલ્લાનાં 60 કિમીના દરિયા કાંઠામાં સમુદ્રી ભરતીના કારણે કિનારા પર રહેતા માછીમારોના ઘરોમાં ભરતીના પાણી ઘૂસી જતા માછીમારબંધુઓ ભારે મુશ્કેલીમાં મૂકાયા હતા. જોકે ગતરોજ બપોરે દરિયો તોફાની બનતા રક્ષાબંધનના પર્વે જ દાંતી ગામના માછીમારો સામે મોટું સંકટ ઉભું થયું હતું.
તેમજ ઘરોમાં રેલ જેવા પાણી ભરાઇ જતાં ઘર વખરીને નુકસાન પહોંચતા તહેવારના દિવસે આ મુશ્કેલીને લઇ માછીમારોના પરિવારો કફોડી હાલતમાં મૂકાઇ ગયા હતા. તિથલ બીચ ઉપર પણ ચોપાટી સુધી ભરતીના પાણી પ્રસરી ગયા હતા. જેને લઇ સહેલાણીઓને કિનારા પર જવા મનાઇ ફરમાવી દેવામાં આવી હતી.
જોકે દરિયો તોફાની બનવા સાથે ભારે પવન ફૂંકાતા 10થી 15 ફુટના મોજાં ઉછવાથી બીચ ઉપર પાણી પ્રસરી ગયા હતા. જેને લઇ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને કોઇ પણ સહેલાણીને નજીક પહોંચવાથી દૂર રહેવા ચેતવણી આપવામાં આવી હતી. વલસાડના દાંતી ગામમાં નાળિયેરી પૂનમની ભરતીના પાણી માછીમારોના ઘરોમાં ઘૂસી જતાં સર્જાયેલી ઘરવખરીને નુકસાન થવાની જાણ થતાં પ્રાંત અધિકારીએ મામલતદારને સૂચના આપતાં મામલતદાર કચેરીના અધિકારીઓની ટીમ દાંતી પહોંચી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500