ધરમપુરના સર્પદંશના કેસોમાં સંજીવની સમાન પુરવાર થયેલા ડો.ડી.સી.પટેલે એક દિવસમાં ત્રણ અલગ-અલગ ગામોમાં કોબ્રા અને કોમન ક્રેટ (મણીયાર) નામના સૌથી ઝેરી સર્પના દંશના ભોગ બનેલા ત્રણ દર્દીઓને નવજીવન બક્ષ્યું છે. સર્પદંશને લઈ હોસ્પિટલમાં લવાયેલા ત્રણે દર્દીઓના હાર્ટબીટ અને પલ્સ તથા શ્વાસોશ્વાસ બંધ હોવાથી ડો.ડી.સી.પટેલે સમયસુચકતા દાખવી સ્ટ્રેચર પર દર્દીઓને કૃત્રિમ શ્વાસ નળી નાખી હાર્ટ ચાલુ કરવા કરેલા પ્રયાસોથી ત્રણેના હૃદય પુનઃધબકતા થતા વેન્ટિલેટર પર રાખી સારવાર શરૂ કરી હતી. જેને લઈ ત્રણે ખતરાથી બહાર આવ્યા હોવાથી પરિવારોએ રાહત અનુભવી છે. છેલ્લા 25 વર્ષમાં 17,000 સર્પદંશના કેસોમાં 99 ટકા સફળતા સાથે સર્પદંશના મૃત્યુદર ઘટાડવાના તબીબના ભગીરથ કાર્યની ચોમેર પ્રશંસા થઈ રહી છે.
જેમાં પહેલા બનાવમાં બાબરખડકની 35 વર્ષીય મહિલા ઉષાબેન લાખનભાઈ સવારે આશરે 11 વાગ્યે ચૂલો સળગાવવા છાણા લેવા જતા કોબ્રા બાઈટ થયો હતો.
બીજા બનાવમાં કપરાડાના નાંદગાવના 17 વર્ષીય સગીરને મળસ્કે પાંચ વાગ્યે ઉલટી થતા કપરાડા પીએએચસીમાં લઇ જવાયા બાદ સાંઈનાથ હોસ્પિટલમાં લવાયા હતા. ડો.ડી.સી.પટેલે દર્દીની હિસ્ટ્રીની માહિતી લઇ વર્ષોના અનુભવથી કોમન ક્રેટ બાઈટનું સચોટ નિદાન કરી સારવાર શરૂ કરી હતી.
ત્યારબાદ ત્રીજા બનાવામાં વલસાડ તાલુકાના કચીગામની 70 વર્ષીય માજી ચૂલો સળગાવવા લાકડા લેવા જતી વખતે કોબ્રા બાઈટ થતા 108માં ધરમપુર લાવતી વખતે બોલતા-બોલતા તોટડાપણુ આવ્યા બાદ ગંભીર થયા હતા અને હાર્ટ, નાડી અને શ્વાસ બંધ થયા હતા.
આમ, એક દિવસમાં અલગ-અલગ ગામોમાં સર્પદંશનો ભોગ બનેલા ત્રણ દર્દીઓ પૈકી બે વેન્ટિલેટર પરથી બહાર આવી ગયા છે. ખાસ કરીને ચોમાસાની સિઝનમાં સાપોના દરોમાં પાણી ભરાતા બહાર આવી જતા હોય છે. જેને લઇ આ સિઝનમાં સૌથી વધુ કેસ બને છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500