ધોધમાર ભારે વરસાદને કારણે વડોદરાનાં પોર પાસેથી પસાર થતા નેશનલ હાઈવેની પ્રોટેક્શન વોલ તૂટી પડી હતી, જેને કારણે એક મકાનની દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી અને 5 ઝૂંપડાંને નુકસાન થયું હતું. જોકે, સદનસીબે મકાન અને ઝૂંપડાંમાં રહેતા 15 લોકોનો બચાવ થયો હતો.
વડોદરા શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે પર રોજનાં હજારો વાહનો પસાર થાય છે. તાજેતરમાં જ ઢાઢર નદીમાં પાણી વધતાં આસપાસના વિસ્તારોમાં પાણી ઘૂસી ગયાં હતાં, જેને કારણે પોર સહિતનાં ગામના લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.
ગતરોજ સવારે પોર નજીક હાઇવેની પ્રોટેક્શન વોલ ધસી જતાં વાહન ચાલકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. હાઈવેની નીચેનાં ભાગે ઝૂંપડાં આવેલાં છે. એકાએક લોખંડની રેલિંગ સાથે પ્રોટેક્શન વોલ ધસી પડતાં એક મકાન અને 5 ઝૂંપડાંને નુકસાન પહોંચ્યું હતું.
જયારે ઝૂંપડાંમાં રાખેલી ઘર વખરીને નુકસાન પહોંચ્યું હોવાની માહિતી મળી છે. ઘટનાને પગલે હાઇવે પર આડસ મૂકવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ઢાઢર નદીનાં પાણી ઘૂસી જવાથી ત્યાં રહેતા લોકોનું સ્થળાંતર કરાયું હતું અને એને કારણે જ ઝૂંપડાંમાં કોઈ હાજર નહીં હોવાથી જાનહાનિ ટળી હતી.
બીજી તરફ, દિલ્હીથી મુંબઇ જતા એક્સપ્રેસ હાઈવેની કામગીરી દરમિયાન કરજણ તાલુકાના સંભોઈ અને અભરા ગામ પાસે બ્રિજની બાજુમાં માટી પુરાણ કરીને બ્લોક નાખીને દીવાલ બનાવી હતી, જે દીવાલ વરસાદનાં પાણીના કારણે ધરાશાયી થઇ ગઈ હતી અને માટી પુરાણ ધોવાઈ જવા પામ્યું હતું. નવા પ્રોજેક્ટ્સમાં પણ વરસાદે ધોવાણ કરી નાખતાં સંભોઈ ગામ તરફના વાહન વ્યવહારને અસર થઈ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500