Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પોસ્ટર વિવાદને કારણે વડોદરાના રાજકારણમાં ખળભળાટ

  • March 21, 2024 

લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ માહોલ જામી રહ્યો છે. ભાજપે અત્યાર સુધી 22 નામ જાહેર કર્યા છે, તેમાં એક નામ વડોદરાનું પણ છે. વડોદરામાં ભાજપે રંજન ભટ્ટને રિપિટ કર્યા છે. જ્યારથી રંજન ભટ્ટના નામની જાહેરાત થઈ ત્યારથી જ વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ભાજપમાં અંદરો અંદર ખુબ જ કકળાટ થઈ રહ્યો છે. ત્યાં વધુ એક વિરોધ સામે આવ્યો છે. વડોદરામાં ભાજપે જ્યારથી રંજન ભટ્ટને ફરી રિપિટ કર્યા ત્યારથી જ ભાજપમાં કકળાટ શરૂ થઈ ગયો છે. કેડર બેઝ કહેવાતી પાર્ટી ભાજપમાં ખુલ્લીને વિવાદ સામે નથી આવતો પરંતુ રંજન ભટ્ટ સામે તો ભાજપમાંથી ખુલ્લીને વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ભાજપમાં જ અંદરો અંદર એટલો વિખવાદ રંજન ભટ્ટના નામ પર જોવા મળી રહ્યો છે કે કેટલાક ખુલ્લીને બહાર આવ્યા છે તો કેટલાક આંતરિક વિરોધ કરી રહ્યા છે. સૌથી પહેલા ભાજપના પૂર્વ નેતા જ્યોતિ પંડ્યા ખુલ્લીને બહાર આવ્યા હતા.


તેમણે રંજન ભટ્ટનું નામ જાહેર થતાં જ પોતાનો બળાપો કાઢ્યો હતો. ત્યારપછી ભાજપના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પણ વિરોધ કર્યો હતો. મધુ શ્રીવાસ્તવે તો રંજન ભટ્ટ સામે ચૂંટણી લડવાની ચેલેન્જ આપી દીધી છે. વડોદરા ભાજપમાં આંતરિક વિખવાદ સમાવવાનું જાણે નામ જ નથી લઈ રહ્યો. વડોદરા ભાજપમાં આંતરિક ખેંચતાણ ઓછી નથી થઈ રહી ત્યાં પોસ્ટર વૉર પણ શરૂ થઈ ગયું છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં રંજન ભટ્ટના વિરુદ્ધમાં અનેક પોસ્ટરો લાગ્યા. શહેરની ગાંધી પાર્ક, વલ્લભ પાર્ક, જાગૃતિ અને ઝવેરનગર સોસાયટીમાં રંજન ભટ્ટના વિરોધમાં પોસ્ટરો જોવા મળ્યા. જેમાં સ્પષ્ટ લખાયું હતું કે, અમને ભાજપ સામે કોઈ વાંધો નથી માત્ર વાંધો રંજન ભટ્ટ સામે છે. રંજનબહેને શહેર માટે કોઈ જ કામ નથી કર્યા. મોડી રાત્રે કોઈ આવીને પોસ્ટર લગાવી ગયું હતું. જો કે સોસાયટીના રહીશો આ મામલે અજાણ છે.


સોસાયટીના રહીશોએ કહ્યું કે, અમને ખબર નથી કે આ પોસ્ટર કોણે લગાવ્યા. મોડી રાત્રે લગાવેલા આ પોસ્ટર સવારે હટાવી લેવામાં આવ્યા હતા પરંતુ આ પોસ્ટરને કારણે વડોદરાનું રાજકારણ ફરી એકવાર ગરમાઈ ગયું છે. આખરે રંજનબહેનને કોણ ટાર્ગેટ કરી રહ્યું છે? મોડી રાત્રે લગભગ ત્રણ વાગ્યાની આસપાસ એક કાર સોસાયટીની બહાર આવે છે. અને કારમાંથી બે શખ્સ પોસ્ટર લઈને ઉતરે છે. અને તેઓ જ આ પોસ્ટર લગાવી જતા રહે છે. ત્યારે રંજનબહેન ભટ્ટે આ પોસ્ટર વૉર સામે પોલીસ ફરિયાદ નોંધાવી દીધી છે.  તો આ પોસ્ટરને કારણે વડોદરા વહીવટી તંત્ર દોડતું થઈ ગયું હતું. તાત્કાલિક પોસ્ટરો હટાવી લીધા હતા. તો ચૂંટણી પંચે પોસ્ટરો લગાવનારા શખ્સો સામે પ્રાઈમરી રિપોર્ટ માંગાવ્યો છે.


પોસ્ટરો લગાવનારા શખ્સો કોણ છે તેની તપાસ ચાલી રહી છે, શું આ કૃત્ય કરનારા ભાજપના લોકો છે કે પછી કોંગ્રેસના? કોણ રંજનબેનનું દુશ્મન બન્યું છે?, કોને રંજનબહેન ઉમેદવાર તરીકે પસંદ નથી? શું કોંગ્રેસના લોકોએ પોસ્ટર લગાવી વિવાદ કર્યો છે? ભાજપમાં આંતરિક ડખો બતાવવા કોંગ્રેસે કારસ્તાન કર્યું?. આ તમામ સવાલ ઉઠી રહ્યા છે. જો કે કોંગ્રેસે આ મામલે સ્પષ્ટ કહ્યું છે કે અમે કોઈ પોસ્ટર લગાવ્યા નથી. આ ભાજપનો જ અંદરો અંદરનો ડખો છે.  પોસ્ટર વિવાદને કારણે વડોદરાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. રંજનબહેનની ટિકિટ જાહેર કરાતાં જ સતત તેમની વિરુદ્ધ વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ભાજપમાં જ અનેક લોકો રંજન ભટ્ટની ટિકિટનો વિરોધ કરતાં જોવા મળ્યા છે. જો કે પાર્ટીએ જ્યારે રંજનબહેન પર મન બનાવી જ દીધું છે ત્યારે જોવું રહ્યું કે, વડોદરાની જનતા શું જનાદેશ આપે છે?.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application