વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા હવે શિક્ષણ સમિતિની મુખ્ય ઓફિસ ખાતે લાઇબ્રેરી બનાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. શિક્ષણ સમિતિ પાસે 70થી 100 વર્ષ જુના 1,000થી વધુ અલભ્ય પુસ્તકો છે. વર્ષોથી પડી રહેલા આ પુસ્તકોનો સદઉપયોગ થાય તે માટે લાઇબ્રેરી શરૂ કરવા વિચારાયું હતું.
શિક્ષણ સમિતિની થોડા સમય અગાઉ યોજાયેલી બેઠકમાં તમામ શાળાઓમાં સુવિધાઓ ઊભી કરવા માટે રોડ મેપ બનાવવામાં આવ્યો હતો. જેમાં મધ્યવર્તી સમિતિ ખાતે હાલનું ઐતિહાસિક મધ્યસ્થ પુસ્તકાલય કે જેમાં 70 થી 100 વર્ષ જુના પુસ્તકો છે તેને ડીજીટાઈઝ કરી નવા પુસ્તકાલયનું નિર્માણ કરવા વિચારાયું હતું.
લાઇબ્રેરીની કામગીરી બે તબક્કામાં કરવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં સમિતિની બિલ્ડિંગમાં નીચે જરૂરી પ્રાથમિક કામગીરી કરવામાં આવશે. જ્યારે બીજા તબક્કામાં વર્ષો જૂના પુસ્તકો ડીજીટાઇઝ કરવામાં આવશે. જેના લીધે લોકો સોફ્ટ કોપી વાંચી શકશે અને વર્ષો પુરાણા પુસ્તકો ફાટી જતા અટકશે. સમિતિનો સ્ટાફ, નિવૃત્ત સ્ટાફ, વિદ્યાર્થીઓ, બાળકોના વાલીઓ ઉપરાંત શહેરીજનો પણ લાઇબ્રેરીનો લાભ લઈ શકે તે માટેની કામગીરી પણ બીજા તબક્કામાં કરવામાં આવશે. લાઇબ્રેરીની પ્રથમ તબક્કાની કામગીરી એક દોઢ મહિનામાં પૂર્ણ થઈ જશે. (ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500