વડોદરાની નીશાકુમારી આમ તો શિક્ષણ થી ગણિત શાસ્ત્રી છે.જો કે એને હિમાલયના ઉત્તુંગ શિખરો,બરફના ઢગ અને જોખમી ચઢાઈનું ગણિત સમજવામાં ભારે રસ છે.એમ કહો કે એ પર્વતારોહણ,સાયકલિંગ,વોકિંગ,રનીંગ અને વ્યાયામનો ગાંડો શોખ ધરાવે છે.એણે દેશનું ૭૬મુ સ્વતંત્રતા પર્વ અનોખી રીતે ઉજવીને આઝાદી કા અમૃત પર્વને યાદગાર બનાવ્યું છે.
નિશાએ આ દિવસે હિમાલયના લેહ લદાખ ક્ષેત્રના ૬૫૦૦ મીટર ઊંચા માઉન્ટ નુન શિખરને સર કર્યું અને સૂસવાટા મારતા ઠંડા હિમ જેવા પવનો અને બરફ ના ઢગલા વચ્ચે શાનથી રાષ્ટ્ર ધ્વજ લહેરાવ્યો હતો. પ્રધાનમંત્રીશ્રી એ આ વખતે હર ઘર તિરંગા નો નારો આપ્યો હતો. વડોદરાની આ દીકરીએ હિમાલયના શિખર પર તિરંગાનો એક નવો આયામ તેમાં ઉમેર્યો છે.તેનું ધ્યેય માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું છે જેના માટે તે છેલ્લા ૫ વર્ષથી જમકર મહેનત કરી રહી છે.એવરેસ્ટની ઊંચાઈ ૮૮૪૮ મીટર જેટલી છે. નુન પર્વત તેના નાના ભાઈ જેવો છે જેને સર કરીને નિશાએ જાણે કે વિશ્વના સૌ થી ઉંચા શિખરને સર કરવા તરફ પહેલું ડગલું માંડ્યું છે.
નિશાના પ્રોત્સાહક નિલેશ બારોટે જણાવ્યું કે, પર્વતારોહણ ખૂબ ખર્ચાળ ઝનૂન છે. જો કે ઉપરોક્ત આરોહણ માટે આ દીકરીને ગૌરા બ્લોકચેઈન નામક કંપનીએ રૂ.૨ લાખની મદદ કરીને આર્થિક તાકાત પૂરી પાડી.નિશા આ કંપનીનો દિલથી આભાર માને છે. વડોદરામાંથી ભાગ્યેજ કોઈ પર્વતારોહકે આ શિખર સર કર્યું છે એવું તે માને છે.હવે તે એવરેસ્ટ ની તૈયારીના ભાગરૂપે મનાલી થી ઉમલિંગલ પાસની અંદાજે ૫૫૦ કિલોમીટર ની અઘરી અને જોખમી સાયકલ યાત્રા તા.૧૮ મી ઓગષ્ટ થી શરૂ કરવા માટે તત્પર છે.અગાઉ તે મનાલી થી ખારદુંગ્લા પાસ સુધીની સફળ સાયકલ યાત્રા કરી ચૂકી છે.
આ યાત્રા તે વડાપ્રધાન ના ફીટ ઇન્ડિયા અભિયાન,આઝાદી કા અમૃત પર્વ અને ભારત કે વીર જવાન અભિયાનને વેગ આપવા માટે કરવાની છે.સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય. જો કે નિશા હિમાલય નો બરફ ખૂંદી,માઇનસ તાપમાનનો મુકાબલો કરીને એવરેસ્ટ આરોહણ તરફ આગળ વધી રહી છે.તેને અઢળક શુભકામનાઓ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500