ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં નમામિ ગંગે પ્રોજેક્ટની સાઇટ પર મોટી દુર્ઘટના સર્જાઇ છે. અહીં કરંટ લાગવાથી ૬ પોલીસકર્મી સહિત ૧૬ લોકોનાં મોત થયા છે. ઘાયલોને નજીકના હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.સૂત્રોના જણાવ્યા અનુસાર શરૃઆતમાં કરંટ લાગવાથી ફક્ત એક વ્યકિતનું મોત થયું હતું. જોકે ત્યારબાદ આ મૃત વ્યકિતને જોવા માટે ગયેલા અન્ય ૧૫ લોકોનાં પણ મોત થયા હતાં.
આ ઘટનામાં અત્યાર સુધીમાં ૧૬ લોકોનાં મોત થયા છે.મૃતકોની સંખ્યા વધવાની શક્યતા છે. ઘટનામાં ૬ પોલીસકર્મીઓના પણ મોત થયા છે. ઘાયલો પૈકી બેની સ્થિતિ ગંભીર બતાવવામાં આવી છે.મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીએ ચમોલી ઘટનામાં મૃતકોના પરિવારજનોને પાંચ-પાંચ લાખ રૃપિયા અને ઘાયલોને એક-એક લાખ રૃપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. મંગળવાર મોડી રાત સીવર પ્લાન્ટના ચોકીદારનું કરંટ લાગવાથી મોત થયું હતું. મૃતકનું વ્યકિતગત પંચનામુ કરવા માટે પોલીસ અને સ્થાનિક લોકો સીવર પ્લાન્ટની પાસે પહોંચ્યા તો ત્યારે અચાનક ફરીથી પ્લાન્ટમાં કરંટ લાગતા અન્ય લોકોનાં પણ મોત થયા હતાં.
મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ ચમોલી ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. સીએમએ જણાવ્યું હતું કે આ એક દુખદ ઘટના છે. જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ અને એસડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ મુજબ રેલિંગ પર કરંટ ફેલાઇ જવાના કારણે આ દુર્ઘટના સર્જાઇ હતી. આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ ઉર્જા નિગમ પર બેદરકારીનો આરોપ મૂક્યો છે. લોકો ઉર્જા નિગમ સામે કાર્યવાહીની માગ કરી રહ્યાં છે. ઘટના પછી પ્રોજેક્ટનું કાર્ય રોકી દેવામાં આવ્યું છે. ઘટના અંગે વડાપ્રધાન મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યુ છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કર ધામી સાથે વાત કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500