ઉત્તરાખંડનાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે રાજ્યને G20ની ત્રણ મહત્વપૂર્ણ બેઠકોનું પ્રતિનિધિ આપવા બદલ આભાર માન્યો હતો. મુખ્યમંત્રી ધામીએ વડાપ્રધાનને ચારધામ યાત્રા, આદિ કૈલાશ અને લોહાઘાટ સ્થિત માયાવતી આશ્રમની મુલાકાત લેવા પણ આમંત્રણ પાઠવ્યું હતું. મુખ્યમંત્રી ધામી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે લગભગ એક કલાક સુધી બેઠક યોજાઈ હતી, જેમાં જોશીમઠ સહિત વિવિધ વિકાસ કામોને લઈ ચર્ચાઓ કરાઈ હતી.
મુખ્યમંત્રી ધામીએ રાજ્યના વિકાસ સંબંધિત જુદા જુદા વિષયો પર ચર્ચા કરી વડાપ્રધાન મોદી પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચમોલીના જોશીમઠ વિસ્તારમાં ભૂસ્ખલન પીડિતોના રાહત અને વિસ્થાપનની કામગીરી અંગે માહિતી આપતાં જણાવ્યું કે, તેમને ભૂસ્ખલનને લઈ રૂપિયા 2942.99 કરોડના આર્થિક પેકેજની જરૂર છે. આ પેકેજમાં 150 પ્રિ-ફેબ્રિકેટેડ મકાનોનું બાંધકામ, સાઈટ ડેવલપમેન્ટ કાર્ય, અસરગ્રસ્તો માટે ભથ્થું મહત્વનું છે.
મુખ્યમંત્રી ધામીએ હરિદ્વારથી વારાણસી સુધી વંદે ભારત ટ્રેન સેવા શરૂ કરવા માટે પણ વિનંતી કરતા જણાવ્યું કે, આ ટ્રેન શરૂ કરવાથી યાત્રાળુઓ અને પ્રવાસીઓને મોટી રાહત મળશે. ઉપરાંત તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય પશુધન મિશન હેઠળ ડિસેમ્બર-2019માં ઓસ્ટ્રેલિયાથી 240 મેરિનો ઘેટાંની આયાત કરાઈ હતી. જેમાં સફળતા મળતા પ્રથમ તબક્કામાં 500 મેરિનો ઘેટાંની આયાત કરવાની દરખાસ્ત કરાઈ છે. આ મેરિનો ઘેટાંઓ દ્વારા આગામી 3-4 મહિનામાં લગભગ 500 મેટ્રિક ટન ઉચ્ચ ગુણવત્તાના ઊનનું ઉત્પાદન કરી શકાય છે અને આ ઊન ભારતીય કાપડ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500