અમદાવાદના સી.જી. રોડ સહિતના વિસ્તારોમાં આવેલા કેટલાંક નામાંકિત જ્વેલર્સને ત્યાં રેકી કરીને લૂંટની મોટી ઘટનાને અંજામ આપે તે પહેલા ક્રાઇમ બ્રાંચના સ્ટાફે ઉત્તરપ્રદેશથી આવેલી ગેંગના છ સાગરિતોને ઝડપી લેવામાં મહત્વની સફળતા મેળવી છે. પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી ત્રણ દેશી તમંચા અને સાત કારતુસ તેમજ અન્ય હથિયારો મળી આવ્યા હતા. તમામ આરોપીઓ વિરૂદ્વ ઉત્તરપ્રદેશમાં લૂંટ સહિતના 55થી વધુ ગુના નોંધાયાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેકટર ડી.બી.બસિયા અને તેમના સ્ટાફને બાતમી મળી હતી કે, શહેરના પાલડી મ્યુઝીયમ પાસેના છેલ્લાં ઘણા સમયથી કેટલાંક અજાણ્યા લોકો રહે છે.
જેની હિલચાલ શંકાસ્પદ છે. જેના આધારે પોલીસે તપાસ કરતા 6 લોકો મળી આવ્યા હતા. તેમની પાસેના થેલામાં તપાસ કરતા પોલીસને 3 દેશી તંમચા, 7 કારતુસ અને તેમજ અન્ય હથિયારો મળી આવ્યા હતા. જે અંગે પુછપરછ કરતા સંતોષકારક જવાબ મળ્યો નહોતો. જેના આધારે સાહિદઅલી પઠાણ (રહે.ઉત્તરપ્રદેશ), રાજેન્દ્રસિંગ જાવટ (રહે.ઉત્તરપ્રદેશ), લેખરાજ યાદવ (રહે.ગિન્નોર, જિ.સંભલ), સત્યરામ યાદવ (રહે.ગિન્નોર, જિ.સંભલ), લેખરાજ સોલુપાલ યાદવ (રહે.ગિન્નોર, જિ.સંભલ) અને રવિ અલવી (રહે.ગિન્નોર, જિ.સંભલ)નાની અટકાયત કરીને તપાસ શરૂ કરવામાં આવી હતી.
જેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, સાહિદઅલી પઠાણ તેની ગેંગ સાથે અમદાવાદમાં મોટા જ્વેલરી શોપમાં લૂંટ કરવાના ઇરાદે અમદાવાદ આવ્યા હતા. તેમણે સી.જી.રોડ, સિંધુભવન રોડ, શીવરંજની સહિતના વિસ્તારોમાં આવેલા મોટા જ્વેલર્સ શોપની રેકી પણ કરી હતી અને આગામી બેથી ત્રણ દિવસમાં લૂંટ કરવાના હતા. ક્રાઇમ બ્રાંચના ડી.સી.પી.એ જણાવ્યું કે, આ ગેંગ લૂંટ કરતા સમયે ફાયરીંગ કરીને લોકોને જીવ લેવા સુધી તૈયારીમાં હતી અને અગાઉ પણ ઉત્તરપ્રદેશમાં મુખ્ય સાગરિત સાહિદઅલી, લેખરાજ યાદવ, સત્યરામ યાદવ અને રાજેન્દ્રસિંગ વિરૂદ્વ માત્ર ઉત્તરપ્રદેશમાં જ 55થી વઘુ ગુના નોંધાઇ ચુક્યા છે.
પોલીસની પુછપરછમાં અન્ય ગુનાના ભેદ ઉકેલાશે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ઝડપાયેલા આરોપીઓ પર કોઇને શંકા ન જાય તે માટે તે પાલડી મ્યુઝિયમ પાસે ખુલ્લામાં રહેતા હતા અને મજુરી માટે અમદાવાદ આવ્યા હોવાનું જણાવતા હતા. હોટલમાં રોકાણ દરમિયાન ચેકિંગનો પણ ડર હતો. આ સાથે ચોરીના બે બાઇક સાથે રાખીને લૂંટની યોજના હતી. સાહિદઅલી આ ગેંગનો મુખ્ય સાગરિત છે અને લૂંટની યોજના તેણે જ ઘડી હતી. તે જાણતો હતો કે, ગુજરાતમાં વાઇબ્રન્ટને કારણે મોટાભાગનો પોલીસ સ્ટાફ વી.વી.આઇ.પી. બંદોબસ્તમાં વ્યસ્ત હોવાને કારણે સ્થાનિક વિસ્તારમાં લૂંટ કરવામાં આવે તો પણ પોલીસના હાથમાં આવવાની શક્યતા ઓછી રહે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500