Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યાજખોરો બેલગામ,૫ લાખના ૧૫ લાખ ચૂકવ્યા બાદ ચેક રીટર્નનો કેસ કર્યો

  • April 13, 2023 

વાંકાનેર તાલુકાના મહિકા ગામના રહેવાસી આધેડે વ્યાજખોરો પાસેથી લીધેલા ૫ લાખના અંદાજે ૧૫ લાખ જેટલી રકમ ચૂકવ્યા બાદ પણ પઠાણી ઉઘરાણી કરી ચેક રીટર્નનો કેસ કર્યો હોય જેથી ભોગ બનનાર આધેડે બે ઈસમો વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


મહિકા ગામના રહેવાસી યાકુબભાઇ માહમદભાઇ બાદીએ તેમના જ ગામમાં રહેતા આરોપી વિજય શીવાભાઇ ચાવડા અને સતીશ શીવાભાઇ ચાવડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તેઓ સંયુક્ત પરિવારમાં રહે છે. અને તેમના ભાઈ ઉસ્માનભાઇ સાથે ખેતી કામ કરે છે અને પાનની દુકાન પણ ચલાવે છે. ગત તારીખ ૦૭/૧૨/૨૦૨૦ના તેમને ખેતીના કામ સબબ તથા લગ્ન પ્રસંગ સબબ રૂપીયાની જરૂરત પડતા આરોપી વિજય પાસેથી પાંચ લાખ રૂપીયા માસીક દસ ટકાના વ્યાજે રૂપીયા લીધેલ હતા અને આ રૂપીયાના બદલામાં આધાર માટે વિજયએ ઉસ્માનભાઇના સર્વે નં.૨૧૧/ પૈકી ૩ વાળી આશરે પાંચ વીઘા જમીનો સાટાખત નોટરી રૂબરૂનો તેમની માતા ચંપાબેન શીવાભાઇ ચાવડાના નામનુ કરાવેલ હતુ.


ત્યારબાદ તેઓ દર મહીને વ્યાજના થતા રૂપીયા પચાસ હજાર ચૂકવી આપતા હતા વ્યાજના રૂપીયા આપવામાં એક બે દિવસ વહેલા મોડુ થાય તો તેનો અલગથી બે હજાર રૂપીયા લેતા હતા ત્યારબાદ વિજયએ ઉસ્માનભાઇને કહેલ કે,'હવે તમારે મને નોટરી રૂબરૂનો જે સાટાખત લખી આપેલ છે તે રજીસ્ટાર કરો' તેવું દબાણ કર્યું હતું. જેથી ઉસ્માનભાઇએ ગઇ તારીખ ૦૨/૦૬/૨૦૨૧ના રોજ વાંકાનેર સબ રજીસ્ટ્રાર રૂબરૂમાં પાંચ વિઘા જમીન દસ લાખમાં ચંપાબેનને વેચાણ કરેલ હોવાનું સાટાખત (વેચાણ કરાર) રહીત વાળો જેમાં પાંચ લાખ રૂપીયા મળી ગયેલ અને બાકી રહેતા પાંચ લાખ રૂપીયા ૯૦ દિવસમાં ચૂકવી આપવા બાબતેનું સાટખત કરાવેલ હતુ.


ત્યારબાદ બંને ભાઈ મહીને વ્યાજના ચૂકવવાના થતા પચાસ હજાર નિયમિત રીતે વિજયને આપી દેતા હતા. ત્યારબાદ આશરે એપ્રીલ-૨૦૨૨ના વર્ષમાં પૈસાની ખેંચમાં આવી જતા બંનેભાઈઓ સમયસર વ્યાજના રૂપીયા ચૂકવી શકેલ નહી જેથી વિજયે પૈસાની ઉઘરાણીમાં આવતા યાકુબભાઇએ કહેલ કે 'મારી પાસે હાલે પૈસા નથી તમને પાંચ દિવસ પછી રૂપીયા આપી દઇશ' તો વિજયએ કહેલ કે,' મને તમારો ચેક આપો' તેને કોરો ચેક પણ આપ્યો હતો. પાંચ દિવસ બાદ યાકુબભાઈએ વિજયને પચાસ હજાર રૂપીયા તથા પૈસા લેવા આવવા માટે થયેલ ધક્કા માટે ડીઝલ ખર્ચના બે હજાર રૂપીયા ચુકવી આપેલ હતા.


પરંતુ વિજયએ કોરો ચેક પરત કરેલ નહી અને તેમની પાસે રાખી લીધેલ હતો. જે બાદ પણ નિયમીત પણે માસીક પચાસ હજાર રૂપીયા વ્યાજતો ચૂકવતું જ હતું. ત્યારબાદ તારીખ ૦૧/૧૨/૨૦૨૨ થી તારીખ ૦૫/૧૨/૨૦૨૨ સુધી પૈસાની સગવડ ન થતા વ્યાજ ચૂકવાયું ન હતું. જેથી બંને વ્યાજખોરોએ ફોનમાં ધમકી આપી હતી કે, 'વ્યાજના રૂપીયા કેમ આપેલ નથી' તેમ કહી ગાળો ભાંડીને કહ્યું હતું કે 'જો રૂપીયા નહી આપ તો તને જાનથી મારી નાખીશ' તેવી ધમકી યાકુબભાઇને ફોન પર આપી હતી.


તારીખ ૦૯/૦૯/૨૦૨૨ના રોજ વિજયે કોરા ચેકમાં ખોટી સહી કરી ત્રણ લાખ ઉપાડવા માટે બેંકમાં નાખેલ અને ખાતામાં પૂરતા રૂપીયા ન હોય જેથી રીટર્ન થયેલ હતો અને આરોપી સતીશભાઇ અવાર નવાર તેના ફોનમાંથી ફોન કરી વ્યાજના થતા રૂપીયા આપવા માટે ભુંડી ગાળો આપી મારી નાખવાની ધમકીઓ આપતો અને યાકૂબભાઈને કહેતો કે' તુ મારુ કાંઇ બગાડી નહી શકે જો તું ક્યાંય કેસ કબાડા કરીશ તો હુ તને એટ્રોસીટીના કેસમાં ફીટ કરાવી દઇશ' તેમ ધમકીઓ આપી હતી. જે બાદ વ્યાજખોરોએ પાનની દુકાને આવી દુકાન બંધ કરાવી પૈસા આપી દેવા માટે દબાણ કરતા હતા જેથી યાકૂબભાઈએ ગઇ તારીખ ૧૪/૧૨/૨૦૨૨ના રોજ તેમના સબંધી પાસે સબંધીના નાતે રૂપીયા દોઢ લાખ હાથ ઉછીના લીધેલ અને તે દોઢ લાખ રૂપીયા સાંજના સાડા પાંચ થી છ વાગ્યાના અરસામાં આરોપી સતીશને હાથો હાથ આપેલ હતા.


આ બાબતનું કોઇ લખાણ કરેલ ન હતુ. બાદ વિજયે વાંકાનેર કોર્ટમાં નેગોશીયેબલ મુજબ યાકૂબભાઈ વિરૂધ્ધમાં કેસ કરેલ છે. આજ દિન સુધી અમોએ યાકૂબભાઈએ વ્યાજખોરોને પંદર લાખ રૂપીયા ચૂકવી દીધેલ હોય તેમ છતા વ્યાજખોરો હજુ પણ દસ લાખ રૂપીયા આપવા માટે દબાણ કરી ગાળો આપી મારી નાખવાની ધમકીઓ આપતા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે વાંકાનેર પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application