Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં ફરજ બજાવતા આઉટસોર્સનાં સ્ટાફને PFનાં નાણાં નહિ મળતા હલ્લાબોલ

  • October 09, 2024 

તાપી જિલ્લામાં સરકારી કચેરીઓમાં પટાવાળા, વાહન ચાલક સહિતના સ્ટાફની ભરતી આઉટસોર્સ એજન્સી દ્વારા કરવામાં આવે છે. તાપી જિલ્લામાં ચાર જેટલી આઉટસોર્સ એજન્સી કરાર પર સ્ટાફની ભરતી કરે છે. જે પૈકી મહેસાણા ખાતેની રાધે એન્ટરપ્રાઈઝ નામની એજન્સીને તાપી જિલ્લામાં તા.૧ લી સપ્ટેમ્બર ૨૦૨૧થી તાપી જિલ્લા પંચાયતની તમામ શાખાઓ, કચેરીઓમાં મંજુર થયેલા વર્ગ ૩ અને વર્ગ ૪ની ખાલી જગ્યાઓ સામે આઉટસોર્સથી સેવકો (સ્ટાફ)ની કરારના આધારે સેવાઓ પુરી પાડવા માટે કોન્ટ્રાક્ટ અપ્યો હતો. જે હાલ પણ ચાલુ જ છે. આ રાધે એન્ટરપ્રાઈઝ એજન્સી દ્વારા પ્રોવિડન્ડ ફંડ મુદ્દે અન્યાય થતા સોમવારે જિલ્લામાંથી સિંચાઈ સહિત અન્ય વિભાગોમાં સેવા આપતા આઉટસોર્સ સેવકોએ કલેક્ટર ડો.વિપિન ગર્ગને આવેદન પત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, કોન્ટ્રાક્ટ એજેન્સી દ્વારા આઉટસોર્સ કર્મચારીના પીએફની રકમ દર માસે કર્મચારીઓના ઈપીએફ ખાતામાં જમા


કરવાની હોય છે પરંતુ અત્યાર સુધી માત્ર બે માસની જ રકમ જમા કરવામાં આવી છે જે અંગે કોન્ટ્રાક્ટ એજન્સીના નીમાયેલા સુપરવાઇઝર સ્ટાફ સાથે વાત કરતા પી.એફ.ની રકમ જમા કરી દેશું એવું જ વારંવાર કહેવામાં આવતું હતું. પરંતુ છેલ્લા ત્રણ વર્ષ જેટલો સમય થઈ ગયો હોવા છતાં આ બાકી રકમ જમા થઈ નથી. વધુમાં છેલ્લા બે માસ ઓગસ્ટ તથા સપ્ટેમ્બર 2024 દરમિયાનનો પગાર પણ ચૂકવવામાં આવ્યો નથી તેથી પી.એફ.ની બાકી રકમ અને બે માસના પગારની તત્કાલિક ચુકવણીની માંગ કરી હતી. જે રજૂઆત બાદ આઉટ સોર્સ કર્મચારીઓ બહાર આવી રહ્યા હતા તે વખતે રાધે એન્ટરપ્રાઇઝ વતી કલેકટરને મળવા આવેલો શખ્સ મળી જતા તેને પોલીસની હાજરીમાં જ ઘેરી લઈ સ્ટાફે તેનો ઉઘાડો લીધો હતો અને અધિક કલેક્ટર આર.આર.બોરડની કચેરીમાં સાથે લઈ ગયા હતા જ્યાં અધિકારીની ઉપસ્થિતિમાં બે દિવસમાં નાણુંનું ચુકવણું કરવાની મૌખિક ખાતરી આપવામાં આવતા આખરે મામલો થાળે પડ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application