હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આગામી તારીખ 29થી 31 માર્ચ 2023 દરમિયાન વલસાડ જિલ્લામાં પવન અને ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવનાની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદ અને વાદળછાયું વાતાવરણને કારણે મોટેભાગે ખેડૂતો પાકના રક્ષણ માટે ઉચિત પગલા લેતા જ હોય છે, તેમ છતાં તકેદારીના પગલા લેવા વલસાડ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતોને સંદેશ આપવામાં આવ્યો છે. જેમાં જણાવ્યું છે કે, કમોસમી વરસાદથી થતા પાક નુકશાનથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલા પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરી લેવી જોઇએ.
જયારે પાકને પ્લાસ્ટિક અથવા તો તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું, જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો જોઇએ. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવો. એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડૂતે કાળજી રાખી આગોતરી સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવે છે. એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા, એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા. આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ખેતીવાડી વિભાગ અને અંભેટી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કૃષિ સંશોધન કેન્દ્ર, પરિયા અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર-18001801551નો સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500