તામિલનાડુમાં માંડુંસ ચક્રવાતની અસરનાં પગલે ગુજરાતમાં તારીખ 10થી 14 દરમિયાન કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. જેથી વલસાડ જિલ્લાનાં ધરમપુર આસપાસનાં વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો અને લોકોએ એક જ દિવસમાં ત્રણ ઋતુનો અનુભવ કર્યો હતો. તો બીજી તરફ કમોમસી વરસાદનાં કારણે કેરી પકવતા ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. માવઠાનાં કારણે આંબા પરના ફ્લાવરિંગને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ ઉપરાંત નવસારી જિલ્લાનાં વાંસદા તાલુાકનાં ગામડાઓમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો.
વાંસદાનાં કાવડેજ અને ગંગપુર ગામમાં તો ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. જિલ્લામાં વરસી રહેલા કમોસમી વરસાદનાં કારણએ બાગાયતી પાકોને નુકસાન થવાની ભીતિ સેવવામાં આવી છે. તામિલનાડુમાં માંડુંસ ચક્રવાતની અસરને લઈને રાજ્યમાં હવામાન વિભાગે તા.10થી 14 ડિસેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી હતી. ચક્રવતની અસર ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર તેમજ આજુબાજુનાં વિસ્તારોમાં સોમવાર અને મંગળવારના રોજ સામાન્ય વરસાદી છાંટા અથવા હળવો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ હતી.
જયારે વલસાડ જિલ્લાનાં ધરમપુર અને આજુબાજુનાં વિસ્તારોમાં વરસાદી માહોલ બન્યો છે. મોડી સાંજે વલસાડ જિલ્લાનાં મહારાષ્ટ્રને અડીને આવેલાં ગામડાઓમાં છૂટોછવાયો હળવો વરસાદ પડ્યો હતો અને સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ધરમપુર પંથકમાં છૂટોછવાયાં કમોસમી વરસાદનાં ઝાપટાં પાડ્યાં હતાં. વલસાડ જિલ્લાનાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ હવે આગામી દિવસોમાં કડકડતી ઠંડી પડવાની પણ આગાહી કરવામાં આવી છે. જે વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો ત્યાંના લોકોએ આજે એક જ દિવસમાં ત્રણ ઋતુનો અનુભવ કર્યો હતો.
કમોસમી વરસાદનાં કારણે લોકોને અને ખેડૂતોએ નુકસાન ન વેઠવું પડે તે માટે હવામાન વિભાગે પહેલાં જ ખુલ્લામાં પડેલો માલસામાન સલામત સ્થળે ખસેડી લેવા માટે સૂચના આપવામાં આવી હતી. ખેતીવાડી વિભાગના જણાવ્યા મુજબ માવઠાના કારણે અન્ય પાકને તો નુકસાન થવાની શક્યતા નથી. પરંતુ, આંબા પર જો ફ્લાવરિંગ થયું હોય તો તેને નુકસાન થઈ શકે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500