સુરતનાં કામરેજ તાલુકાનાં ખોલવડ ગામે એક બંધ ઘરને નિશાન બનાવી ઘરનાં મુખ્ય દરવાજાનો લોક તોડી ઘરમાં પ્રવેશી ઘરમાં રહેલ સોના-ચાંદીનાં ઘરેણાં, રોકડ સહિત રૂપિયા 1.90 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે કામરેજ પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કામરેજનાં ખોલવડ ગામે આવેલા રાધા ક્રિષ્ણા સોસાયટીમાં રહેતા સંજય ભાઈ સોરઠીયા જેઓને પરિવારમાં એક છોકરો અને છોકરી છે. તેઓ પરિવાર સાથે ગત તારીખ 9/7/2023નાં રોજ મધ્યપ્રદેશમાં ધાર્મિક સ્થળોએ ફરવા ગયા હતા.
તે દરમિયાન તારીખ 14/7/23નાં રોજ પાડોશી મનીષભાઈ મકવાણાએ સંજયભાઈ સોરઠીયાને ફોન કરી જણાવ્યું હતું. કે, તમારા મકાનનો દરવાજો ખુલ્લો છે અને દરવાજા બાજુની ગ્રિલ અને કિચનની બારી તૂટેલી હાલતમાં છે. જેથી ધાર્મિક સ્થળે ફરવા ગયેલો પરિવાર તાત્કાલિક પરત ફર્યો હતો અને ઘરે પરત આવી તપાસ કરતા ઘરમાં બધુ વેરવિખેર હાલતમાં મળી આવ્યુ હતું. જયારે ઘર માલિક સંજયભાઈ ઘરનાં કબાટમાં રહેલા સોના ચાંદીના ઘરેણાં, રોકડ રૂપિયાની ચોરી થઈ જતાં તેઓએ તાત્કાલિક કામરેજ પોલીસનો સંપર્ક કર્યો હતો. કામરેજ પોલીસે હાલ ફરિયાદી સંજયભાઈ સોરઠીયાની ફરિયાદ લઈને અજાણ્યા ચોર ઈસમો વિરૂદ્ધ ગુનો દાખલ કરી આગળની તજવીજ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500