વલસાડના અતુલ ફર્સ્ટ ગેટ પાસે રહેતી આધેડ વયની મહિલા સગાઈ વિધિમાં હાજરી આપીને પગપાળા ઘરે જઈ રહી હતી. ત્યારે અંધારામાં નિર્જન સ્થળે હાજર બે અજાણ્યા ઈસમો પૈકી એક શખ્સે તે મહિલાના ગળામાંથી સોનાની ચેઈન આંચકી લીધી હતી. જે બાદ તે શખ્સ તેના સાગરિત સાથે બાઈક ઉપર બેસી ભાગી છુટ્યો હતો.
અતુલ ફર્સ્ટ ગેટ ખાતે આવેલી ભોળાનગર સ્કૂલ પાસે સ્થિત શિવપેલેસ એપાર્ટમેન્ટમાં પોતાના પુત્ર અને પુત્રવધુ સાથે રહેતા શ્યામપતિદેવી રામમિલન યાદવ (ઉ.વ.૫૧) ગુરુવારે અતુલ સેકન્ડ ગેટ પાસે સ્થિત સેન્ટોસા રિસોર્ટમાં રહેતા રાજમણી તિવારીના પુત્રની તિલકવિધિમાં જવા પગપાળા નીકળ્યા હતાં. જે બાદ દિયર રામપ્રસાદ યાદવની પુત્રવધુ ગીતા પ્રમોદ યાદવ સાથે સગાઈ વિધિમાં હાજરી આપી તેઓ રાત્રે ઘરે જવા નીકળ્યા હતા. આ સમયે તોઓ પગપાળા જતા હતાં, ત્યારે અતુલ સેકન્ડ ગેટના ગાયત્રી મંદિર પાસે આવેલા શિવપેલેસ એપાર્ટમેન્ટ પાસે પહોંચ્યા, ત્યારે ત્યાં આવી પહોંચેલા અજાણ્યા શખ્સે મહિલાના ગળાને પાછળથી પકડી લઈ તેના ગળામાંથી અંદાજીત રૂપિયા ૩૯ હજારની સોનાની ચેઈન આંચકી લીધી હતી. જે બાદ તે શખ્સ પોતાના સાગરિત સાથે નાસી ગયો હતો. મહિલાએ ચોર-ચોરની બૂમો પાડતા આશિષ નામના યુવાને તેની સ્કૂટી લઈને ચેઈન સ્નેચરોનો પીછો કર્યો હતો. પરંતુ તેઓ પારડી તરફ જતા હાઈવે તરફ ભાગી છુટવામાં સફળ રહ્યા હતાં. ઘટના અંગે પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application