જળ, જંગલ, જમીન, જનાવર આ ચારેય વગર કુદરતની કલ્પના કરવી અશક્ય છે. જંગલ છે તો વન્ય જીવ છે. જળ છે તો જલીય જીવોનું અસ્તિત્વ છે, અને આપણા માટે તો જળ એ જ જીવન છે. વિશ્વમાં સૌથી સમૃદ્ધ દેશ એ જ છે જ્યાં જળ, જંગલ, જમીન અને જનાવર પર્યાપ્ત માત્રામાં હોય તે માટે ‘સ્વસ્થ પર્યાવરણ, સ્વસ્થ માનવ સમાજ’નો આધાર છે. ત્યારે જ જીવન ટકી રહેશે. એટલે જ પ્રકૃતિ પ્રત્યેની જાગૃત્તિના હેતુથી વિશ્વભરમાં દર વર્ષે તા.૨૮ જુલાઇએ ‘વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ’ મનાવવામાં આવે છે. સુરત વનવિભાગના ડીએફઓ શ્રી સચિન ગુપ્તાએ જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં કુલ ૮ સરકારી નર્સરીઓ કાર્યરત છે, જેમાં ૩૪ લાખ રોપા વિતરણ માટે તૈયાર કરાયા છે. પર્યાવરણપ્રેમી નાગરિકો પોતાના વિસ્તાર નજીકની નર્સરીમાંથી રોપાઓ મેળવી શકે એ માટે વન વિભાગ દ્વારા એક ‘ક્યૂઆર કોડ’ લોન્ચ કરાયો છે, જેને સ્કેન કરીને નજીકની નર્સરીનું લોકેશન મેળવી અધિકારીનો સંપર્ક કરીને નર્સરીમાં કયા વૃક્ષો ઉપલબ્ધ છે તેની જાણકારી મેળવી શકાશે.
વધુમાં સચિન ગુપ્તાએ કહ્યું હતું કે, સુરતના ડુમ્મસમાં સૌપ્રથમ વખત ‘કવચ વન’ તૈયાર કરવામાં આવ્યું છે. ઉપરાંત, અહીં નગરવન પણ સાકારિક થઈ રહ્યુ છે. કવચ વન એટલે એવો વિસ્તાર જ્યાં ખૂબ ઓછા વિસ્તારમાં ખૂબ ઝડપી વૃદ્ધિ પામે એવા વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હોય. ઓલપાડ, બારડોલી અને માંડવીમાં પણ એક-એક કવચવન તૈયાર કરવાનું આયોજન છે. આ ચારે વિસ્તારના કવચવનમાં ૧૭,૦૦૦ છોડ વાવવામાં આવશે. ગત વર્ષે સુરત વન વિભાગ દ્વારા સુરત જિલ્લામાં બારડોલી અને ઉંમરપાડામાં બે ‘નમો વડવન’ નિર્માણ કરાયા છે, જેમાં મંદિર અથવા ધાર્મિક સ્થળની નજીક નમો વડવન ઉભું કરવાથી પ્રાણી-પક્ષીઓને નૈસર્ગિક છત્ર મળે અને લોકોને હરવા-ફરવા સાથે માનસિક શાંતિ મળી શકે એવું વાતાવરણ, કુદરતી સૌંદર્યનો અનુભવ મળશે. આ વર્ષે જે ખેડૂતોએ ખેતરમાં નીલગીરી અથવા અન્ય રોપાનું વાવેતર કર્યું હોય તેમને રાજ્ય સરકાર તરફથી લાભાર્થી ખેડૂતોને ૪૦ લાખથી વધુની સબસિડી આપવામાં આવશે એમ જણાવી શ્રી ગુપ્તાએ વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસની ઉજવણી પ્રસંગે નાગરિકોને વધુમાં વધુ વૃક્ષો વાવીને પ્રકૃતિની સેવા અને જતન કરવા અનુરોધ કર્યો હતો.
સ્વસ્થ વાતાવરણ જ સ્વસ્થ માનવનો આધાર બની શકે છે એ હકીકત છે. હાલના સમયમાં વૃક્ષોના નિકંદનની ઉદાસીનતાના કારણે જેના કારણે પ્રકૃતિ પર માઠી અસર પહોંચી રહી છે. પરંતુ વન વિભાગની ઉમદા કામગીરીથી સુરત જિલ્લામાં આજે વનરાજિમાં વધારો થઇ રહ્યો છે. સુરત જિલ્લામાં સૌપ્રથમ વખત વન વિભાગ દ્વારા ૨૦ હજાર કેસર આંબા કલમના ખેડૂતોને રૂ.૨૫ માં મળશે. સાથે વન વિભાગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને સુરત મહાનગરપાલિકાને પણ રોપા પૂરા પાડે છે. સુરત વન વિભાગ અંતર્ગત ઓલપાડ, કામરેજ, પલસાણા, બારડોલી, મહુવા, માંડવી, માંગરોળ અને ચોર્યાસી એમ કુલ ૮ સરકારી નર્સરી કાર્યરત છે. જ્યાં ૩૪ લાખ રોપાઓ છે. વન વિભાગ દ્વારા સુરત શહેરના ડુમ્મસ ખાતે તૈયાર કરાયેલા ‘નગર વન’માં ૨૦ પ્રકારના ૨૦,૦૦૦ જેટલા રોપાઓ રોપવામાં આવ્યા છે, શહેરના કોન્ક્રીટના જંગલમાં પણ શહેરીજનોને વોકિંગ ટ્રેક સાથે કુદરતી વાતાવરણ અને પ્રકૃતિ સાથે જોડી રાખે એવું આ વન હશે. સુરત વન વિભાગ દ્વારા અંદાજિત ૮.૫૦ લાખ રોપાનું વાવેતર કરાયુ છે. આ ઉપરાંત સુરત વન વિભાગ દ્વારા ટેકનોલોજીના યુગમાં અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે.
જેમાં લોકોને વિતરણ કરવા માટેના રોપા ગુજરાત રાજ્ય, વન વિભાગ દ્વારા એક QR કોડ બનાવવામાં આવ્યો છે જેની મદદથી મોબાઇલમાં QR કોડ સ્કેન કરી જે તે વ્યક્તિ પોતાની આસપાસના વિસ્તારમાં નજીકમાં આવેલ નર્સરી, ત્યાંના અધિકારીનો નંબર અને કયા રોપા નર્સરીમાં ઉપલબ્ધ છે તેની વિગત વાર માહિતી મેળવી શકાશે. વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસનો ઉદ્દેશ પ્રાકૃતિક સંસાધનોનું સંરક્ષણ પૃથ્વીના રક્ષણ માટે મહત્વપૂર્ણ છે. શહેરીકરણને કારણે દિવસે ને દિવસે વૃક્ષોની સંખ્યા ઓછી થતી જાય છે. જંગલો કપાતા જાય છે, જેનાથી માત્ર માણસોને જ નહીં, પરંતુ વન્યજીવોને પણ નુકસાન થઇ રહ્યું છે. જંગલો કાપીને આપણે પ્રાણીઓના નિવાસ સ્થાન છીનવી રહ્યાં છીએ, પ્રકૃતિને ઉત્સાહભેર નુકસાન કરી રહ્યા છીએ. વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસનો મુખ્ય ઉદ્દેશ એવા પશુઓ અને વૃક્ષોનું સંરક્ષણ કરવાનો છે જે લૃપ્ત થવાના આરે છે. આ દિવસ આત્મનિરીક્ષણને અવસર પ્રદાન કરે છે કે, આપણે પ્રકૃતિનો દૂરપયોગ કરવાના બદલે સંરક્ષણ માટે આગળ આવીએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application