કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે સુરત શહેરમાં વિવિધ વિભાગોના મહત્વપૂર્ણ પ્રોજેક્ટોની મુલાકાત લઇ કામોનું જાતનિરક્ષણ કર્યું હતું. મંત્રીએ ઉધના રેલવે સ્ટેશન, સુરત સેન્ટ્રલ રેલવે સ્ટેશન, સ્મીમેર હોસ્પિટલની પીજી હોસ્ટેલ, ચોક હેરિટેજ કિલ્લો અને મેટ્રો પ્રોજેક્ટની મુલાકાત લઇ અહીં કામ કરી રહેલી ટીમો પાસેથી કામગીરીની વિગતો મેળવી હતી. ઉધના રેલવે સ્ટેશનની મુલાકત લેતાં કેન્દ્રીય રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે, રૂ.૨૦૦ કરોડના ખર્ચે ઉધના રેલવે સ્ટેશનને સુરત એરપોર્ટ ટર્મિનલ જેવું બનાવવામાં આવશે.
રેલવે વિભાગ દ્વારા ઉધના રેલ્વે સ્ટેશનને આધુનિક લુક અપાશે. ઉધના સ્ટેશનના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે પ્લેટફોર્મ-૧ના ટ્રેકથી ૯ મીટર ઉપર એલિવેટેડ કોન્કોર્સ વિસ્તાર બનાવવામાં આવશે. આ વિસ્તાર ૪૦ મીટર પહોળો અને ૬૨ મીટર લાંબો હશે. સ્ટેશનમાં પ્રવેશ્યા પછી મુસાફરો સીધા કોન્કોર્સ એરિયામાં આવશે. પ્લેટફોર્મ સુધી પહોંચવા માટે આ કોન્કોર્સ વિસ્તારમાં ફૂડ કોર્ટ, લિફ્ટ અને એસ્કેલેટર ઉભા કરશે. અહીંથી પ્લેટફોર્મ ૨-૩ અને ૪-૫ પર જવા માટે વોક-વે પણ બનાવવામાં આવશે. કોન્કોર્સ એરિયામાં ડિસ્પ્લેમાં ટ્રેન કયા પ્લેટફોર્મ પર આવવાની છે તે મુસાફરો જોઈ શકશે.
આ પ્રોજેક્ટ વર્ષ ૨૦૨૪ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. સુરત રેલવે સ્ટેશનની મુલાકાત લેતાં શ્રીમતી જરદોશે જણાવ્યું કે, આગામી સમયમાં સુરત રેલવે સ્ટેશન દેશનું સૌપ્રથમ મલ્ટી મોડેલ રેલવે સ્ટેશન વિકસિત થશે, જ્યાં રેલવે, જીએસઆરટીસી સિટી બસ ટર્મિનલ સ્ટેશન અને મેટ્રોને એકીકૃત કરીને અવિરત ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી ઉપલબ્ધ બનશે. નવું અત્યાધુનિક સ્ટેશન બિલ્ડિંગ આર્થિક પ્રવૃત્તિઓની સાથે વ્યવસાય, વેપાર-વાણિજ્યનું કેન્દ્ર બનશે. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર એમ ડબલ એન્જિનના સુશાસનથી વિકાસકામો તેજગતિથી સાકાર થઈ રહ્યા છે. સરકારે મહત્વના પ્રોજેક્ટો શહેરોમાં શરૂ કરતાં શહેરીજનોને સુવિધા અને સુખાકારીસભર બનાવવાની દિશા આપી છે, ત્યારે આ ડબલ એન્જિનથી આપણા શહેરોનું વેલપ્લાન્ડ ડેવલપમેન્ટ અને વિકાસની હરોળમાં વૈશ્વિક શહેરોની સમકક્ષ ઉભા રહે તેવું સુગ્રથિત આયોજન થઈ રહ્યું હોવાનું ઉમેર્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500