કેન્દ્રીય મત્યોદ્યોગ, પશુપાલન અને ડેરી વિભાગના મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં આકાંક્ષી નર્મદા જિલ્લામાં શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કુલ ખાતે A-Help અને પશુધન જાગૃતિ અભિયાનના પ્રારંભનો કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્રીય મંત્રીશ્રી પરસોત્તમભાઈ રૂપાલા એ A-Help અને પશુજાગૃતિ અભિયાનનો શુભારંભ કરાવતા જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ હરહંમેશ પ્રજાલક્ષી યોજનાઓ, કાર્યક્રમો અને ઝુંબેશો થકી લોકોના જીવનશૈલીમાં સકારાત્મક બદલાવ લાવવાના પ્રયાસો કર્યા છે ત્યારે હવે પશુપાલન, સારવાર અને સાર સંભાળ ક્ષેત્રે વિકાસની દિશામાં નવતર પહેલ કરાઈ છે. દેશમાં ગુજરાત રાજ્ય પશુપાલન ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે, ત્યારે વડાપ્રધાનશ્રીના દીર્ઘદ્રષ્ટીના પરિણામે આવી યોજનાઓ થકી પશુઓની કાળજી, દેખરેખ, આહાર, સારવાર, એમ્બ્યુલન્સ “હેલ્પ લાઈન ૧૯૬૨” સહિતની સેવાઓ ઉપલબ્ધ કરીને પશુપાલન વ્યવસાયના વિકાસ માટે સરકારશ્રીએ નવો માર્ગ ચિંધ્યો છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ. મંત્રીશ્રી રૂપાલાએ કહ્યું કે, વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ પશુપાલનની વ્યવસ્થાને સુદ્ઢ કરવા માટે નર્મદા જિલ્લા સહિત સંપૂર્ણ રાજ્યમાં પશુઓ માટે કામધેનુ યુનિવર્સિટી દ્વારા નિ:શુલ્ક રસીકરણ ઝુંબેશ જેવા કાર્યક્રમો થકી પશુપાલન ક્ષેત્રે વિકાસનો નવો અધ્યાય શરૂ કરાયો છે.
પશુપાલન ક્ષેત્રના વિકાસને સુનિશ્ચિત કરવા તથા સકારાત્મક બદલાવ માટે વ્યવસ્થા માટે અનેક યોજનાઓ ઘડવામાં આવી છે. ત્યારે પશુપાલકોમાં પશુ ચિકિત્સા, કાળજી અને બ્રિડ ઇમ્પ્રુવમેન્ટ થકી આવકમાં વૃદ્ધિ સહિત પશુપાલનના વિકાસ માટે પશુપાલકોને કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાના લાભો લેવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે સાંસદશ્રી મનસુખભાઈ વસાવાએ પણ પોતાના પ્રાસંગિક ઉદબોદનમાં જણાવ્યું કે, સરકારશ્રી દ્વારા પશુપાલકો માટે યોજનાઓ અમલી બની છે. તેનો લાભ ઉઠાવીને પશુપાલકોએ પણ સહભાગી થઈને સરકારશ્રીની યોજનાઓથી માહિતગાર થઈને નવા રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી થવાની જરૂર છે. કાર્યક્રમ દરમિયાન, A-Help, રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ Maitri કાર્યકરો અને પશુપાલન કિસાન ક્રેડિટ કાર્ડ KCC ના લાભાર્થીઓને કીટ-પ્રમાણપત્રનું વિતરણ કરવા સહિત પશુઓના કૃત્રિમ બીજદાન સિમેન ડોઝના લાભાર્થીઓને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ગ્રામ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત NRLM થકી A-Help યોજનાને અનુલક્ષીને પશુસખીઓને ગ્રામીણ ક્ષેત્રમાં પશુઓના આરોગ્ય, કાળજી, દેખરેખ માટે તાલીમ બદ્ધ કરવામાં આવશે. કેન્દ્રીય પશુપાલન મંત્રીશ્રી રૂપાલાએ ભદામ ગામ ખાતે આયોજિત પશુ વંધત્વ સારવાર કેમ્પનું ઉદ્ઘાટન ગૌ પૂજનથી કર્યુ હતુ. પશુપાલકો સાથે સંવાદ કરવા માટે યોજાયેલા આ ખાસ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ પશુપાલકોના પ્રશ્નો, સમસ્યાઓ, મુંઝવણનું નિરાકરણ લાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ઉપરાંત પશુપાલકોને સમય સાથે આગળ વધી ટેક્નોલોજીના ઉપયોગ તથા સરકારશ્રીના અનેકવિધ લાભોથી પરિચિત રહેવા અંગે અનુરોધ કર્યો હતો. આ કેમ્પમાં પશુપાલન સારવાર, રસીકરણ, પશુપાલનને લગતી સરકારશ્રીની અનેકવિધ યોજનાઓની ગ્રામજનો-પશુપાલકોને માહિતી મળે તે માટે પશુપાલન પ્રદર્શની તેમજ પશુઓના સારવાર અંગે કેસ નોંધણી સ્ટોલની પણ મંત્રીશ્રીએ મુલાકાત લીધી હતી. પશુપાલકો માટે આયોજિત આ ખાસ કેમ્પમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરવા માટે સ્ટોલ ઉભા કરાયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500