કેન્દ્રીય મંત્રી અને બેગુસરાયના સાંસદ ગિરિરાજ સિંહ પર યુવકે હુમલો કર્યો છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ બેગુસરાયના બલિયામાં જનતા દરબારમાંથી બહાર આવી રહ્યા હતા, ત્યારે યુવકે કેન્દ્રીય મંત્રીને મુક્કો મારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સુરક્ષાકર્મીઓએ તેને પકડી લીધો હતો. જો કે, ગિરિરાજ સિંહ સુરક્ષિત છે અને તેમને કોઈ ઈજા નથી. આ ઘટના બાદ પોલીસે કેન્દ્રીય મંત્રીની સુરક્ષા વધુ કડક કરી હતી. આ ઘટના પર પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે જણાવ્યું હતું કે, 'આ એક દુઃખદ ઘટના છે.
શક્ય છે કે આરોપીનો ચહેરો જોયા બાદ તેજસ્વી અને અખિલેશ તેના સમર્થનમાં બહાર આવે. હાલ પોલીસ આરોપીને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી રહી છે.’ અહેવાલો અનુસાર, કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ બલિયામાં લોકોની સમસ્યાઓ સાંભળી રહ્યા હતા. તે દરમિયાન સફેદ કેપ પહેરેલો એક યુવક ત્યાં આવ્યો અને કેટલાક અપશબ્દો બોલવા લાગ્યો હતો. જ્યારે ભાજપના કાર્યકરોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો તો તે કેન્દ્રીય મંત્રી તરફ દોડી ગયો અને ગિરિરાજ સિંહને મુક્કો મારવાનો પ્રયાસ કર્યો. ત્યાં હાજર પોલીસકર્મીઓએ તેને પકડી લીધો. યુવકની ઓળખ મોહમ્મદ સૈફી તરીકે થઈ છે જે એક પાર્ટી સાથે સંકળાયેલ હોવાનું કહેવાય છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આરોપી કાઉન્સિલર છે જો કે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500