Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કેન્દ્રીય પશુપાલન મંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં વરાછા ખાતે ‘સંયુક્ત પરિવાર વિચાર ગોષ્ઠિ’ યોજાઈ

  • July 11, 2023 

વરાછનાં મિનિબજાર સ્થિત સરદાર પટેલ સ્મૃતિ ભવન ખાતે કેન્દ્રીય પશુપાલન, ડેરી અને મત્સ્ય ઉદ્યોગ મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલા અને શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં 'ધી રચના કો-ઓપ. ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર સોસાયટી' દ્વારા ‘સંયુક્ત પરિવાર વિચાર ગોષ્ઠિ’ યોજાઈ હતી. સાથોસાથ ૨૬મી વાર્ષિક સાધારણ સભા, વિદ્યાર્થી સન્માન સમારોહ તથા સિલ્વર જ્યુબિલી સમાપન વર્ષ સમારોહ પણ યોજાયો હતો. આ પ્રસંગે શ્રી પરષોત્તમભાઈ રૂપાલાએ સંયુક્ત પરિવાર અને બચત-કરકસરનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, પ્રાચીન કહેવત છે કે બચત એ પરિવારનો બીજો ભાઈ છે. જ્યાં જનસમૂહ ઉભો થાય ત્યાં સહકારિતાનો જન્મ જ બચતથી થાય છે. પરિવારના બાળકોમાં નાનપણથી બચત અંગેનો ગુણ કેળવાય તે માટે ગુજરાતમાં સૌ પ્રથમવાર ઈડરમાં બાળકોની બાળ ગોપાલ બચત બેન્ક કાર્યરત છે.



જેમાં આઠ વર્ષથી લઈને ૧૮ સુધીના બાળકો-કિશોરો સભ્ય બન્યા છે અને નાની ઉંમરે બચતને જીવનનો ભાગ બનાવ્યો છે. આ બાળકોમાંથી પ્રેરણા લઈને આપણે પણ બચત અને કરકસરથી જીવન જીવવાની શીખ આપી હતી. વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે, યોગવિદ્યા એ પ્રાચીન ભારતીય સંસ્કૃતિ તરફથી મનુષ્યજાતિને મળેલી એક અણમોલ ભેટ છે, વિશ્વ-આરોગ્ય સંસ્થાએ ભારતના આયુર્વેદને માન્યતા આપી છે. ઉપરાંત, ભારતની સંયુક્ત કુટુંબ વ્યવસ્થાની પણ વિશ્વભરમાં નોંધ લેવાય છે. સંયુક્ત કુટુંબમાં ઉછરેલા બાળકોમાં પારિવારિક ભાવના હજુ જીવંત જોવા મળે છે. બાળકોની લાલન પાલનમાં દાદા-દાદીનો પણ મહત્વનો ફાળો હોય છે. જેમને બાળપણમાં દાદા-દાદીના ખોળામાં રમવા મળ્યું હોય તે બાળકો સૌથી સુખી અને સદ્દભાગી સંતાનો છે.



સંયુક્ત કુટુંબમાં જે પોતાના સંતાનોને વડીલોના હાથમાં સોંપે તે સમજદાર વાલી છે. આધુનિક સમયમાં નવી અને બદલાયેલી જીવનશૈલીના કારણે કુટુંબ વ્યવસ્થામાં પણ પરિવર્તનો આવી રહ્યાં છે એમ રૂપાલાએ ઉમેર્યું હતું. સંયુક્ત કુટુંબ વ્યવસ્થા આપણા સમાજ જીવનનું અભિન્ન અંગ છે એમ જણાવતા તેમણે ઉમેર્યું કે, મુશ્કેલીના સમયે પરિવારના સદસ્યો જ પડખે ઉભા રહેશે. સંયુકત કુટુંબમાં સંબંધો, લાગણીઓ, કેળવણી, સન્માન, સ્નેહ અને સુખની વ્યાખ્યાઓ જો કિશોરાવસ્થાથી જ બાળક સમજી શકે તો તેના જીવનમાં તે હકારાત્મક બની સહજતાથી પ્રગતિ કરી શકશે. મોંઘી ગાડી, સારા કપડા અને સારી સ્કૂલમાં મૂકવાથી સારા સંસ્કાર કે ગુણો નથી આવતા પણ પારિવારિક ઉછેર અને યોગ્ય દિશાદર્શનથી બાળક સદ્દગુણી અને વ્યાવહારિક બને છે એમ રૂપાલાએ જણાવ્યું હતું.



મંત્રીએ ઉપસ્થિત દિકરીઓને વિનંતી કરતા કહ્યું કે, જે માતા-પિતાએ તમને પાળીપોષીને ઉછેર કરે છે તેમની ક્યારેય અવગણના ન કરશો તો જીવનમાં ક્યારેય દુ:ખી નહીં થશો. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું કે, સરકાર કે શાળા બાળકનું અંશતઃ ઘડતર કરી શકે, પરંતુ વાલીઓએ બાળકોની વિષય અનુરૂપ રૂચિ જાણીને તેનામાં પરિશ્રમના બીજ રોપવા પડશે. ઈશ્વરે દરેક વ્યક્તિને જુદી જુદી ક્ષમતા આપી છે, ત્યારે ક્ષમતાઓને પારખી યોગ્ય દિશામાં વાળવા પ્રયત્નશીલ બનવા પર ભાર મૂક્યો હતો. દુનિયા તેજસ્વિતાને પૂજે છે, એટલે જ 'વિદ્વાન સર્વત્ર પૂજ્યતે' એમ જણાવી તેમણે સૌને જ્ઞાની અને સભ્ય બનવાનું આહવાન કરતા કહ્યું કે, આજના આધુનિક સમયમાં પ્રદૂષણ હવા કે પાણીનું નહી, પણ વિચારો, દ્રષ્ટિ અને વર્તનવ્યવહારનું પણ થઈ રહ્યું છે.



બાળકો પરિવાર અને સમાજમાં જે ચીજોનું અવલોકન કરે છે તેની સીધી જ અસર તેના પર માનસ પર થાય છે, અને જોયેલું-અનુભવેલું તે અમલમાં મૂકે છે. સંયુક્ત કુટુંબમાં જે સહન કરે તે જ સુખી થાય તેવી વિભાવના મુજબ જીવતા ઘણા પરિવારો ઉદાહરણરૂપ બન્યા છે. શહેર પોલીસ કમિશનરશ્રી અજય તોમરે જણાવ્યું હતું કે, માઈક્રો ફાઈનાન્સની પ્રથમ શરૂઆત વર્ષ ૧૭૧૦માં થઈ હતી. જેમાં મહેનત કરવાની ભાવના, ધગશ છે, પરંતુ નાણાંનો અભાવ છે તેવા લોકોને નાણાકીય મદદ કરવાના ઉદ્દેશથી માઈક્રો ફાઈનાન્સનો છે. વોશિંગ્ટનની એક અગ્રણી ફાયનાન્સ સંસ્થાના રિપોર્ટ મુજબ સમગ્ર દુનિયામાં ૧૭૦ કરોડ લોકોને માઈક્રો ફાઈનાન્સની જરૂર છે.



સામાન્ય વ્યક્તિઓને પણ સારી રીતે જીવન નિર્વાહ કરવા માટે આ વ્યવસ્થા ઉપકારક છે એમ જણાવી વાલીઓએ પોતાના બાળકોની પ્રતિભાની ઓળખ કરી યોગ્ય ક્ષેત્રમાં તેની સુષુપ્ત શક્તિઓને ખીલવવાની તક આપવા અનુરોધ કર્યો હતો. આ વેળાએ અભ્યાસમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર સભાસદોના બાળકો- વિદ્યાર્થીઓને શિલ્ડ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતાં. તેમજ સ્વર્ગસ્થ સભાસદોના પરિવારોને મુત્યુ કલ્યાણ નિધિમાંથી રૂપિયા ૫૦,૦૦૦ના ચેકનું વિતરણ કરાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application