કેન્દ્ર સરકાર દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન અંતર્ગત CRPFની ૬૦ મહિલા બાઈકર્સની ટીમ 'યશસ્વિની'ને સાંસદ સી.આર.પાટીલે વરાછા સ્થિત ઉમિયાધામ ખાતેથી ફ્લેગ ઓફ દ્વારા પ્રસ્થાન કરાવ્યું હતું. મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી-સુરત દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે દરેક મહિલા બાઇકર્સને ભરથ-ગુથણવાળી કોટીનું વિતરણ કરાયું હતું. CRPFની મહિલા બાઇકર્સ ટીમ "યશસ્વિની" દ્વારા સશક્તિકરણ, એકતા, સમાવેશકતા અને એકમના સંદેશ સાથે તા.૩ ઓકટોબરે ૬૦ મહિલા બાઈકર્સ તામીલનાડુના કન્યાકુમારીથી નીકળી કેરાલા, કર્ણાટક, આધ્રપ્રદેશ, તેલંગણા, મહારાષ્ટ્ર થઈ ગુજરાતમાં પ્રવેશી સાપુતારા થઈ સુરત જિલ્લામાં તા.૨૬મીના રોજ કામરેજ ખાતે આવી પહોચી હતી.
સુરત શહેરના વરાછા સ્થિત ઉમિયાધામ ખાતે રાત્રિરોકાણ કર્યું હતું. આ રેલીનું વહેલી સવારે સાંસદ સી.આર.પાટીલે ફલેગ ઓફ આપી આગળ જવા માટે પ્રસ્થાન કરાવ્યું હતું. આ બાઈક રેલી તા.૩૧ ઓક્ટોબરે નર્મદાના કેવડીયા ખાતે આયોજીત કાર્યક્રમમાં ભાગ લેશે. આ પ્રસંગે સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું કે, સી.આર.પી.એફ દ્વારા ૩ વિવિધ ટુકડીઓ વિભાજિત કુલ ૧૭૦ મહિલા બાઇકર્સ માત્ર ૨૮ દિવસમાં કુલ ૧૦ હજાર કિ.મીનું અંતર કાપી તા.૩૧ ઓક્ટોબરે કેવડીયા પહોંચશે. જે પૈકીની એક રેલી યશસ્વિનીને આજે પ્રસ્થાન કરાવ્યું હોવાનું જણાવતા કહ્યું કે, દેશને એક રાષ્ટ્ર બનાવનાર સરદાર વલ્લભભાઈ પટેલને જન્મજયંતિ નિમિત્તે ભાવાંજલી આપવા માટે બાઈકર્સ રેલી કેવડિયા ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં આયોજીત કાર્યક્રમમાં ભાગ લેશે.
વધુમાં તેમણે જણાવ્યું કે, નરેન્દ્રભાઈ મોદી મહિલાઓને પ્રાધાન્ય આપી રહ્યા છે. દરેક ક્ષેત્રમાં મહિલાઓ સ્વાવલંબી બને, મહિલા અધિકારની રક્ષા, મહિલાઓને પોતાની સ્કિલ બહાર લાવવા માટેના પ્રયસો કરી રહ્યા છે. મહિલાઓ માટે અનેક યોજનાઓ બનાવી તેમને આત્મનિર્ભર બનાવવા માટે પ્રયાસો કર્યા છે. મહિલાઓને વિધાનસભા અને લોકસભામાં સીટમાં ૩૩ ટકા સીટોનું રિઝર્વેશન કરી મહિલાઓને મહત્વ આપ્યું છે તે દેશ અને દુનિયા માટે ઉત્તમ ઉદાહરણ બન્યું છે. આ મહિલા સીઆરપીએફ બાઈકર્સ રેલીનું દેશના દરેક રાજયોમાં ભવ્ય સ્વાગત કરાયું છે દેશના અલગ અલગ ત્રણ સ્થળેથી નીકળેલી રેલીઓ જયારે તા.૩૧ ઓક્ટોબરે કેવડિયા ખાતે પહોચશે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનું ભવ્ય સ્વાગત કરશે. મહિલા બાઇકર્સ દ્વારા સ્ત્રી સશક્તિકરણની જાગૃતતા રેલી દ્વારા 'બાલિકા દિવસ' અને 'નારી શક્તિ'ની ઉજવણીના સંદેશા સાથે બાઈક રેલીઓ નીકળી છે. અત્રે નોંધનીય છે કે, ૧૫ રાજ્યો અને ૨ કેન્દ્ર શાસિત પ્રદેશોને આવરી લઇ ત્રણ ટુકડીઓ સાથેની ૧૭૦ મહિલા બાઇકર્સ ૧૦ હજાર કિ.મીનું અંતર કાપી તા.૩૧ ઓકટોબરે નર્મદાના કેવડીયા ખાતે પહોંચશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500