દેશમાં દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે અને તેમા પણ જો રસોઈ ગેસના બાટલના ભાવમાં વધારો થાય ત્યારે ઘણા લોકોનું બજેટ ખોરવાઈ જાય છે ત્યારે હવે 600-600 રૂપિયામાં રસોઈ ગેસનો બાટલો મળી શકશે. આ માટે કેન્દ્ર સરકાર 75 લાખ કનેક્શન આપવાની તૈયારી કરી રહી છે. કેન્દ્રિય મંત્રી હરદિપ સિંહ પૂરીએ સંસદમાં આ અંગેની મહત્વપૂર્ણ માહિતી આપતા કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર ગરીબ પરિવારોને સસ્તામાં રસોઈ ગેસનો બાટલો દેવામાં અન્ય દેશની તુલનામાં અસરકારક રહી છે. પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ જેવા પાડોસી દેશોમાં રસોઈ ગેસના બાટલાની કિંમત ભારતની કિંમત કરતા ખુબ જ વધારે છે. હાલમાં જ સંસદમાં એક સવાલનો જવાબ આપતા તેમણે રસોઈ ગેસના વપરાશ વિશે પણ માહિતી આપી હતી.
પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યુ હતું કે, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ રસોઈ ગેસની સરેરાશ માથાદીઠ વપરાશ એપ્રિલ-ઓક્ટોબર સુધી 3.8 સિલિન્ડર રિફિલ સુધી સુધરી ગઈ છે, જે વર્ષ 2019-20માં 3.01 સિલિન્ડર રિફિલ અને નાણાકિય વર્ષ 2022-23 દરમિયાન તે 3.71 રહી હતી. કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ કેન્દ્ર સરકાર ગરીબ પરીવારોને 300 રૂપિયાની સબસિડી આપી રહી છે ત્યારે દિલ્હીમાં આ યોજનાના લાભાર્થીને 14.2 કિલોગ્રામનો રસોઈ ગેસનો બાટલો 603 રૂપિયામાં મળશે.
દિલ્હીમાં કેન્દ્ર સરકાના આ યોજનાના લાભાર્થીને 903 રૂપિયાના રસોઈ ગેસનો બાટલો ખરીદવો પડશે અને બાદમાં તેના પર 300 રુપિયાની સબસિડી સીધી જ લાભાર્થીના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. કેન્દ્રિય મંત્રીએ જણાવ્યુ હતું કે, પાકિસ્તાનમાં રસોઈ ગેસનો બાટલો 1059.46 જ્યારે શ્રીલંકામાં 1,032.35 અને નેપાળમાં 1,198.56 રૂપિયા મળે છે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ વધુમાં જણાવ્યુ હતું કે, વર્ષ 2014માં LPGના 14 કરોડ ગ્રાહકો હતા જે હવે 33 કરોડ થઈ ગયા છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ લગભગ 10 કરોડ ગ્રાહકો છે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2016માં શરૂ કરી હતી જેથી ગરીબ પરિવારને સસ્તામાં રસોઈ ગેસના બાટલાનો લાભ આપી શકે.
હાલમાં જ પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નાણાકીય વર્ષ 2023-24થી 2025-26 સુધી ત્રણ વર્ષમાં 75 લાખ નવા કનેક્શન આપવા માટે યોજનાના વિસ્તરણને મંજૂરી આપી દીધી છે. આ નવા કનેક્શન સાથે PMUY હેઠળ કુલ લાભાર્થીઓની સંખ્યા 10.35 કરોડ થઈ જશે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ જો તમે એપ્લાય કરવા ઈચ્છતા હોય તો કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી www.pmuy.gov.in જઈને તમારે એપ્લાઈ ફોર PMUY કનેક્શન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ જે કંપનીનો રસોઈ ગેસનો બાટલો લેવા માંગતા હો તેને પસંદ કરવાનો રહેશે અને ત્યારબાદ દસ્તાવેજ સાથે માહિતી ભરીને એપ્લાઈ બટન પર ક્લિક કરવાનું રહેશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500