સુરત શહેરના ઉધના પટેલનગરમાં રહેતી 70 વર્ષીય વૃદ્ધાને પેન્ટ-શર્ટ પહેરેલી એક મહિલાએ પોતાની ઓળખ તેના ઘરની પાછળ રહેતી મહિલા તરીકે આપી વિધવાને પૈસા અપાવું છું કહી દુપટ્ટો આપતા કોઈ ભાન રહ્યું નહોતું. બાદમાં મહિલા જેમ કહે તેમ કરતી વૃદ્ધા તેની સાથે રીક્ષામાં બોમ્બે માર્કેટમાં ટોયલેટમાં ગઈ અને ત્યાં રૂપિયા 75 હજારના દાગીના કાઢીને આપી દીધા હતા. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, મૂળ મહારાષ્ટ્રના વતની અને સુરતમાં ઉધના હરીનગરની પાછળ પટેલનગર સોસાયટી પ્લોટ નં.95માં રહેતા 70 વર્ષીય જયનમ હશનભાઈ ખટીક ઘર નજીકથી પસાર થતી ગટર લાઈન જામ થતા તેની ફરિયાદ કરવા ગત મંગળવારે બપોરે ભેસ્તાન એસએમસી ઓફિસે ગયા હતા.
ત્યાંથી તે ઘરે પરત ફરતા હતા ત્યારે ઘર નજીક પેન્ટ-શર્ટ પહેરેલી અજાણી મહિલાએ અટકાવી પોતાની ઓળખ તેમના ઘરની પાછળ રહેતી રઝીયા તરીકે આપી કહ્યું હતું કે, હું વિધવા સ્ત્રીઓને પૈસા અપાવું છું. હું તમને પણ પૈસા અપાવીશ. તમે મારો દુપટ્ટો પકડો હું તમને કશું બતાવું છું. જોકે, જયનમબેન તે દુપટ્ટો લે તે પહેલા જ મહિલાએ મોઢા આગળ લાવી હાથમાં પકડાવતા તેમને કશું ભાન રહ્યું નહોતું.બાદમાં તે મહિલા તેમને રીક્ષામાં બોમ્બે માર્કેટમાં લઈ ગઈ હતી.ત્યાં મહિલાએ તમે દાગીના પહેરી રાખશો તો પૈસા નહીં મળશે કહી દાગીના કાઢવા કહ્યું હતું. ત્યારબાદ તે મહિલા જયમનબેનને ટોયલેટમાં લઈ ગઈ હતી અને રૂ.75 હજારની મત્તાના દાગીના કાઢી હું પેંશનવાળા સાહેબને મળીને આવું પછી તમને આપીશ તેવું કહી ચાલી ગઈ હતી. બાદમાં ભાનમાં આવેલા જયમનબેનને બનાવની જાણ થતા તેમણે આ અંગે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application