Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બપોર સુધી અસહ્ય ઉકળાટ, સાંજે વરસાદી માહોલ: તાપીના વાલોડમાં ત્રણ ઇંચ વરસાદ

  • October 09, 2021 

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં છઠ્ઠી ઓક્ટોબરથી સત્તાવાર ચોમાસાની વિદાય ની જાહેરાત કરી દીધી છે પરંતુ ચોમાસુ રિટર્ન થયું હોય તેમ ગઈકાલથી દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદી માહોલ જામ્યો છે આજે નવલા નોરતા ના બીજા દિવસે બપોરે સુધી અસહ્ય ઉકળાટ પછી વાતાવરણમાં પલટા સાથે માહોલ બદલાયો હતો પાંચ જિલ્લાના ૧૮ તાલુકાઓમાં વરસેલા વરસાદ પૈકી સર્વાધિક વાલોડમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો જ્યારે સુરત શહેરમાં પણ અલગ અલગ વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ વરસતા મેઘાએ ખેલૈયાઓ ના બીજા નોરતા માં રંગમાં ભંગ પાડ્યો હતો.

 

 

 

 

સુરત શહેરમાં સવારથી બપોર સુધી અસહ્ય ઉકળાટ વચ્ચે શહેરીજનો પરસેવે રેબઝેબ થઈ રહ્યા હતા તે વચ્ચે બપોર પછી વરસાદી માહોલ છવાયો હતો વાદળોના ગડગડાટ સાથે શહેરના વરાછા એ ઝોન. અને વરાછા બી.ઝોન વિસ્તારમાં બે ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો જ્યારે સેન્ટ્રલ ઝોનમાં ૩ મી.મી. રાંદેર ઝોનમાં ૨મી.મી. કતારગામ ૮મી.મી. ઉધના ઝોન ૬ મી.મી. લિંબાયત ઝોનમાં ૧૫ મી.મી. વરસાદ ખાબકતા શહેરીજનોને અસહ્ય ઉકળાટમાં વાતાવરણ ઠંડુ બનતા રાહત થઇ હતી જ્યારે જિલ્લાની ગ્રામીણ વિસ્તારની વાત કરવામાં આવે તો પલસાણામાં ૧૧મી.મી. મહુવામાં ૧૯ મી.મી. માંડવીમાં ૪ મી.મી. બારડોલીમાં ૩૧ મી.મી. વરસાદ નોંધાયો છે.

 

 

 

 

 

તાપી જિલ્લામાં પણ બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો 

એવી જ રીતે તાપી જિલ્લામાં પણ બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ સોનગઢમાં ૬ મી.મી. ડોલવણ માં ૧૫ મી.મી. જ્યારે વાલોડમાં ચાર કલાકમાં ત્રણ ઇંચ એટલે કે ૭૪ મી.મી. પાણી ખાબકી જતા સર્વત્ર પાણી જ પાણી થઇ ગયું હતું મેઘાએ વલસાડના ધરમપુરમાં વરસાદી માહોલ બનાવીને ૨૧ મી.મી વરસાદ વરસાવ્યો હતો ઉપરાંત વાપીમાં હળવા ઝાપટાં રૂપે એક મી.મી. વરસાદ વરસ્યો હતો આ ઉપરાંત ખેરગામ અને નવસારી તાલુકામાં હળવા ઝાપટા વરસ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે ઉપરાંત વાસદા તાલુકા માં ૩ મી.મી. પાણી પડયું હતું વનરાજીથી ભરપૂર ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં ૨૧ મી.મી. સુબીર એક ઈંચ. અને સાપુતારામાં ૨ મી.મી. વરસાદ વરસતા સર્વત્ર ઠંડક પ્રસરી ગઇ હતી.

 

 

 

 

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવા માટે ખેલૈયાઓનો મૂડ પારખી છૂટછાટ તો આપી છે પરંતુ વરસાદ આજે બીજા દિવસે વિલન બનીને આવ્યો હતો બપોર બાદ માહોલ બદલાતા વરસાદ વરસ્યો હતો. જોકે બે દિવસથી સતત ઉકળાટને લઈને આજે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

 

 

 

 

 

નવરાત્રી માટે તૈયાર કરાયેલા મંડપ પલળી ગયા.

દક્ષિણ ગુજરાતમાં ઉઘાડ કાઢતા ફરી ભારે તાપ સાથે બફારાનો અનુભવ લોકો કરી રહ્યા છે. તેવામાં બીજા નોરતે ઢળતી સાંજે સુરત. તાપી. ડાંગ અને વલસાડ સહિતના જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં આકાશમાં કાળા ડિબાંગ વાદરો ધસી આવ્યા અને કડાકા-ભડાકા સાથે વરસાદ ખાબકતા ગ્રામ્ય વિસ્તારમાં લોકો ફફડ્યા હતા. તો આજે બીજા નોરતે માતાજીની ગરબી માં પણ વિક્ષેપ પડયો હતો વરસાદ તો વરસ્યો હતો પરંતુ વીજળીના જબર કડાકા થયા હતા સર્વત્ર પાણી પાણી થઇ જતા ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં સમી સાંજે વરસેલા વરસાદને લઈને નવરાત્રી માટે તૈયાર કરાયેલા મંડપ પલળી ગયા હતા. જેને લઇને ખેલૈયાઓનો મૂડ બગડયો હતો. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application