અયોધ્યામાં વિશાળ આકારમાં નિર્માણ થઇ રહેલાં વિશ્વવ્યાપી ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર દ્વારા દેશભરમાં અભિયાન શરૂ કરી સામાન્ય જન પણ મંદિર નિર્માણમાં સહભાગી થાય તે હેતુથી નિધિ એકઠી કરવા શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નીધી સમર્પણ સમિતિનું નિર્માણ કરી દેશ ભરમાં તા.15 જાન્યુઆરીથી તા.27 ફેબ્રુઆરી માઘ પૂર્ણિમા સુધી મહા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં દેશના રાષ્ટ્રપતિથી લઇ રાજકીય સામાજિક આગેવાનો સહીત અનેક લોકો સહ ભાગી થઇ રહ્યાં છે. જે માટે વિશ્વ હિન્દૂ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સહિતની સનાતની સંસ્થાઓ ઠેર-ઠેર બેઠક યોજીને સમાજને સમર્પણ કરવા આહવાન કરે છે. જેના આભારૂપે હાલમાં જ સોનગઢ તાલુકાના ઉકાઈ ઉર્જા નગર ખાતે આવેલાં જંગલેશ્વર મહાદેવના મંદિરે નિધિ સમર્પણ સમિતિની એક બેઠક અભિયાનના તાપી જિલ્લાનાં સહ પ્રમુખ એવા જિલ્લાં કાર્યવાહ ચંદનસિંહ ગોહિલની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી.
જ્યાં એક વૃધ્ધ દંપત્તિ ઈશ્વરભાઈ મનછાભાઈ પટેલ(ઉ.વ.86) અને તેમની અર્ધાંગની લક્ષ્મીબેન પટેલ(ઉ.વ.82) એક બીજાના સહારે આવ્યા હતા. જેઓ મૂળ સુરત ઇચ્છાપોરના નિવાસી પરંતુ ઉકાઈને પોતાની કર્મભૂમિ બનાવી સને 1961માં અહીં વસી ગયા અને હાલ આ વૃધ્ધ દંપતી ઉકાઈ વર્કશોપ કોલોનીમાં નિવાસ કરે છે. જેઓ આવીને એક કાપડની થેલીમાં લઈને આવેલા રોકડા રૂપિયા 1.10 લાખ (એક લાખ દશ હજાર) શ્રી રામ મંદિરના નિર્માણમાં ભગવાનના ચરણમાં સમર્પણ કર્યા હતા. આ કાર્ય દરમિયાન ખુબજ ભાવુંક બની તેઓના આખોમાં હર્ષના આશુ આવી ગયા હતાં. ત્યાં ઉપસ્થિત સહિત તમામ કાર્યકર્તાની આંખો પણ નમ થઈ ગઈ હતી.
ભગવાન શ્રી રામના મંદિર નિર્માણમાં પોતાનું યોગદાન આપનાર ઈશ્વરભાઈ પોતે સિંચાઈ વિભાગમાં ફરજ બજાવી નિવૃત થયા હતા અને લક્ષ્મીબેન બાલ મંદિરમાં નાના બાળકોને સંસ્કાર આપવાનું કાર્ય કરીને, મહિને 80 રૂપિયાની નોકરી કરીને જીવનની શરૂઆત કરી હાલ સરકારી જર્જરિત ક્વાર્ટરમાં તેઓ નિવૃત જીવન જીવે છે.
ગાયત્રી પરિવારના સંસ્થાપક વેદમૂર્તિ પંડિત શ્રી રામ શર્માના વિચારોથી પ્રભાવિત વ્યક્તિ નિર્માણ અને સમાજ નિર્માણના કાર્યમાં આ દંપતી આજે પણ કાર્યરત છે, ઈશ્વરભાઈ પોતે સંઘના સ્વયંસેવક, શ્રી રામ જન્મભૂમિ આંદોલનમાં શરૂઆતથી જોડાયા પછી 1985ની રામશીલા પૂજન યાત્રા હોય કે કળશ યાત્રા દરેક યાત્રામાં પોતે છેક ઉંમરપાડાના ગામોથી લઇ નિઝરના ગામો સુધી પોતે રથ બનાવી પ્રવાસ કરી હતી, કારસેવામાં જવાનો પણ અવસર તેઓને મળ્યો હતો.
5મી ઓગસ્ટ 2020ના રોજ શ્રી રામ મંદિરનો ભુમી પૂજનનો કાર્યક્રમ આ વૃદ્ધ દંપતી ટીવી પર નિહાળ્યો ત્યારે હર્ષના આશુ સાથે તેમણે સંકલ્પ કરી આ રાષ્ટ્ર મંદિરમાં સમર્પણ આપવાનું મનોમન નક્કી કર્યું હતું અને પાડોશમાં રહેતા સોનગઢ તાલુકા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંચાલક કાશીનાથભાઈ પટેલનો સંપર્ક કરીને મંદિર નિર્માણ માટે રાશિ આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, આ ઈચ્છા તેઓની સ્વયં ઉકાઈ ખાતે મહાદેવના મંદિરે આવી અભિયાનનાં મંડળની બેઠકમાં પૂર્ણ કરી હતી અને ઉપરોક્ત રોકડા રૂપિયા 1.10 લાખનું સમર્પણ અર્પણ કર્યું હતું. જનજનમાં વસેલાં ભગવાન શ્રી રામના ચરણમાં ધરેલ નિધિને સાચું સમર્પણ કહેવું યથા યોગ્ય છે. પોતાનું ઘર નથી અને પોતાના સંતાન નથી, બસ સમાજને પોતાનું પરિવાર સમજતા ઈશ્વરકાકા સદાચારને જીવન મંત્ર બનાવી વેદમૂર્તિ શ્રી રામ શર્માના આશીર્વાદથી આ કાર્ય કરું છું એવું કહેતા ફરી રડી પડ્યા હતા અને સૌને ભાવુક કર્યા હતા. આ અભિયાનનો આ પ્રેરણાદાયક પ્રસંગ અનેક કાર્યકર્તાઓ માટે ખરેખર પ્રેરણા પુરી પાડશે..
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500