ઉધના વિસ્તારમાં ભાજપ કાર્યકરના દુષ્કર્મનો ભોગ બનેલી મહારાષ્ટ્રમાં ધો.12માં અભ્યાસ કરતી તરુણીએ ઊંઘની વધુ પડતી ગોળીઓ ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. આત્મહત્યાનો પ્રયાસ કરનાર તરુણીએ ભાજપના કાર્યકર વિશાલ ઉર્ફે ભુષણ વિજય પાટીલ વિરુદ્ધ પોણા બે મહિના અગાઉ ફરિયાદ નોંધાવતા તેની ધરપકડ થઈ હતી અને હાલ તે જેલમાં છે. જે એક ચર્ચા મુજબ ભાજપના કાર્યકરે તેના સંબંધી મારફતે તરુણીને ધમકી આપતા તેને આ પગલું ભર્યું છે. જોકે, પોલીસ ચોક્કસ કારણ અંગે તપાસ કરી રહી છે.
પોલીસ સૂત્રો તેમજ નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી અનુસાર, સુરતના ઉધના વિસ્તારમાં અભ્યાસ કરતી 15 વર્ષીય તરુણીની છેડતીની ઘટનામાં ચાર મહિના અગાઉ ઝડપાયેલા ભાજપના કાર્યકર વિશાલ ઉર્ફે ભુષણ પાટીલે લોકડાઉનમાં મહારાષ્ટ્રથી સુરત આવેલી અને ધો.12માં અભ્યાસ કરતી તરુણી સાથે મિત્રતા કરી હતી. ત્યારબાદ તરુણીને પ્રેમજાળમાં ફસાવી ફોટા-વિડીયોના સ્ક્રીન શોટ પાડી બદનામ કરવાની ધમકી આપી સુરત-મહારાષ્ટ્રમાં શરીર સંબંધ બાંધ્યો હતો અને રૂપિયા 20 હજાર પણ પડાવ્યા હતા. આ અંગે ભોગ બનેલી તરુણીએ પોણા બે મહિના અગાઉ ઉધના પોલીસ મથકમાં વિશાલ ઉર્ફે ભુષણ પાટીલ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ઉધના પોલીસે ભાજપના કાર્યકર વિશાલ ઉર્ફે ભુષણ વિજય પાટીલ ( રહે.565,ગાંધીકુટીર,ઉધના) ની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.
જયારે દુષ્કર્મનો ભોગ બનેલી તરુણીએ ગતરોજ રાત્રે ઊંઘની વધુ પડતી ગોળીઓ ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. ઉધના પોલીસને આ અંગે જાણ થતા તે તરુણીનું નિવેદન નોંધવા નવી સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. જોકે, એક ચર્ચા મુજબ ભાજપના કાર્યકરે તેના સંબંધી મારફતે તરુણીને ધમકી આપતા તને આ પગલું ભર્યું છે. વધુમાં ઉધના પોલીસે તપાસ હાથ ધરી છે.
તરુણીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવ્યા બાદ વિશાલનો મિત્ર જ્ઞાન પાટીલ તરુણીનો પીછો કરી તેને ફરિયાદ પાછી ખેંચવા દબાણ કરતો
તરૂણીની માતાએ નવી સિવિલ હોસ્પિટલ ખાતે આક્ષેપ પણ કર્યો હતો કે, વિશાલ વિરુદ્ધ ઉધના પોલીસ મથકમાં તરુણીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવ્યા બાદ વિશાલનો મિત્ર જ્ઞાન પાટીલ તરુણીનો બાઈક પર પીછો કરી તેને ફરિયાદ પાછી ખેંચવા દબાણ કરતો હતો અને કર્મયોગી સોસાયટીમાં રહેતો જ્ઞાન તરુણી જ્યાં જાય ત્યાં પાછળ જઈ તેને ફરિયાદ પાછી નહીં ખેંચે તો તેના માતા-પિતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો. વિશાલ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવ્યા બાદ ડિપ્રેશનમાં રહેતી તરુણીએ ગતરોજ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું તેની માતાએ જણાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500