મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દ્વારા રાજ્યના ગરીબોને તબીબી સારવાર માટે આપવામાં આવતા મુખ્ય પ્રધાન તબીબી સહાય ભંડોળમાં ડોનેશન મેળવવામાં અઢી વર્ષના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પોતાના પુરોગામી અને અનુગામી કરતાં અનેકગણો વધારો કરીને ઉત્તમ કામગીરી કરી હતી. મુખ્ય પ્રધાન તરીકે ફક્ત અઢી વર્ષ મળ્યા હોવા છતાં તેમણે મુખ્ય પ્રધાન તબીબી સહાય ભંડોળમાં રૂ. ૭૯૩ કરોડની જંગી રકમ મેળવી હતી. તેમની પહેલાંના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પોતાના પાંચ વર્ષના પૂર્ણ કાર્યકાળમાં ફક્ત રૂ. ૫૯૮.૩૨ કરોડનું ડોનેશન મેળવી શક્યા હતા.
માહિતી અધિકાર કાર્યકર્તા અનિલ ગલગલીએ રાઈટ ટુ ઈન્ફર્મેશન કાયદા હેઠળ મેળવેલી માહિતીમાં ફક્ત ૧ જાન્યુઆરી, ૨૦૧૫થી લઈને ૩૧ માર્ચ, ૨૦૨૩ સુધીના આંકડા આપવામાં આવ્યા છે. આ આંકડા મુજબ પહેલી એપ્રિલ, ૨૦૨૨ના રોજ મુખ્ય પ્રધાન તબીબી સહાય ભંડોળમાં રૂ. ૪૧૮.૮૮ કરોડ હતા, જ્યારે ૩૧ માર્ચ ૨૦૨૩ના રોજ તેમાં ફક્ત રૂ. ૪૪૫.૨૨ કરોડ રૂપિયા હતા. મુખ્ય પ્રધાનપદે હતા ત્યારે દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે અને અત્યારના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની સરખામણી કરવામાં આવે તો શિંદે સૌથી પાછળ છે. દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય પ્રધાન પદે હતા ત્યારે ભંડોળમાં રૂ. ૬૧૪ કરોડનો વધારો કરી આપ્યો હતો, જ્યારે અઢી વર્ષમાં ઉદ્ધવ ઠાકરેએ રૂ. ૭૯૩ કરોડ એકઠા કરી આપ્યા હતા. એકનાથ શિંદેએ આ ભંડોળમાં ફક્ત રૂ. ૬૫.૮૮ કરોડનો વધારો કરી આપ્યો છે. છેલ્લા ત્રણ મુખ્ય પ્રધાનોની સરખામણીમાં એકનાથ શિંદે ભંડોળમાં પૈસા લાવવામાં સૌથી નબળા સિદ્ધ થયા છે.
આઠ વર્ષની સરખામણી કરવામાં આવે તો જરૂરિયાતમંદોને મદદ કરવામાં દેવેન્દ્ર ફડણવીસ અવ્વલ સિદ્ધ થયા છે. જ્યારે સૌથી ઓછી મદદ ઉદ્ધવ ઠાકરેના કાર્યકાળમાં કરવામાં આવી છે. ફડણવીસના કાર્યકાળમાં ૧,૦૭,૭૮૨ અરજી આવી હતી અને તેમાંથી ૬૩,૫૭૩ નાગરિકોને રૂ. ૫૯૮.૩૨ કરોડની મદદ કરવામાં આવી હતી. ઉદ્ધવ ઠાકરેના કાર્યકાળમાં મળેલી કુલ ૧૦,૭૧૨ અરજીમાંથી ૪,૨૪૭ નાગરિકોને રૂ. ૨૦.૨૮ કરોડની મદદ કરી હતી. એકનાથ શિંદેના કાર્યકાળમાં ૧૪,૫૬૬ અરજીમાંથી ૭,૪૧૯ નાગરિકોને રૂ. ૫૭ કરોડની મદદ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application