મનિષા એસ. સુર્યવંશી/તાપી : ઉચ્છલનાં કટાસવાણ ગામની સીમમાંથી વગર પાસ પરમિટે ટેમ્પોમાં રીંગણ ભરેલ પ્લાસ્ટિકની કોથળીનાં નીચેથી ભારતીય બનાવટનાં ઇંગ્લિશ દારૂનાં કુલ 23 બોક્ષ સાથે ટેમ્પો ચાલક અને ક્લીનરને ઝડપી પાડ્યા હતા, જયારે દારૂ ભરી આપનાર અને મંગાવનાર બે જણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફનાં માણસો ગતરોજ રાત્રિના સમયે હાઇવે બીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, મહારાષ્ટ્ર તરફથી એક ટેમ્પોમાં રીંગણ ભરેલ પ્લાસ્ટિકની કોથળીનાં નીચે ઈંગ્લીશ દારૂનો જથ્થો સંતાડીને સોનગઢ તરફ જનાર છે.
જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો કટાસવાણ ગામની સીમમાંથી પસાર થતાં પોલીસના નાકા પોઇન્ટ ઉપર અલગ-અલગ ટીમ બનાવી વોચમાં ઉભા હતા. તે દરમિયાન બાતમી વાળો ટેમ્પો નંબર MH/03/CD/1508 દેખાતા પોલીસે ટેમ્પોનાં ચાલકને વ્હીસલ મારીને તેમજ લાકડી તથા ટોર્ચનાં ઇશારા વડે ઉભો રખાવ્યો હતો. ત્યારબાદ પોલીસે ચાલકની સીટ પર બેસેલ યુવકને તેનું નામ પૂછતા તેને પોતાનું નામ, રાહુલ સુનિલભાઈ પાટીલ (રહે.મારવાડ ગામ, તા.અમરનેર, જિ.જલગાંવ) અને તેની બાજુમાં બેસેલ ઈસમનું નામ પૂછતા તેણે પોતાનું નામ તુકારામભાઈ અશોકભાઈ પાટીલ (રહે.વાસરા ગામ, તા.અમલનેર, જિ.જલગાંવ)ના હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ પોલીસે ટેમ્પોમાં તપાસ હાથ ધરતા ટેમ્પોમાં મુકેલ રીંગણ ભરેલ પ્લાસ્ટિકની કોથળી હટાવીને નીચેનાં ભાગે જોતા ત્યાંથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો ખાખી તથા કાળા રંગના શીલ બંધ 23 બોક્ષ મળી આવ્યા હતા. જેમાં ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની કુલ 636 નંગ બોટલો મળી આવી હતી. જોકે પોલીસે પ્રોહી. મુદ્દામાલ વિશે પૂછતા જણાવ્યું હતું કે, અજયભાઈ પાટીલ (રહે.દોડાયચા, જિ.ધુલિયા)નાએ રીંગણ ભરેલ પ્લાસ્ટિકની કોથળી નીચે ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી આપ્યો હતો અને તે નંદુરબાર થઈ નવાપુર બારડોલી થઈ સુરત સરદાર માર્કેટ ખાતે એક ઈસમને આપવાનો હતો.
આમ, પોલીસે ભારતીય બનાવટનાં ઇંગ્લિશ દારૂના કુલ બોક્સ 23 જેમાંથી ઇંગ્લિશ દારૂની નાની-મોટી કુલ 636 નંગ બોટલ જેની કિંમત રૂપિયા 1,14,720/-, તેમજ 2 નંગ મોબાઈલ અને ટેમ્પો મળી કુલ રૂપિયા 3,24,720/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદનાં આધારે ઝડપાયેલ બંને વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જયારે દારૂનો જથ્થો ભરી આપનાર અને દારૂ મંગાવનાર બંનેને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હઠળ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500