અમેરિકાએ વધુ 119 ગેરકાયદે રહેતા ભારતીયોને વિમાનમાં ભારત મોકલી દીધા છે. આ ભારતીયોને લઇને અમેરિકી સેનાનું વિમાન પંજાબના અમૃતસર એરપોર્ટ પર પહોંચ્યું હતું. અમેરિકાથી પરત મોકલાયેલા ભારતીયોમાં ૬૭ પંજાબના, ૩૩ હરિયાણાના, ૮ ગુજરાતના, ત્રણ ઉત્તર પ્રદેશના, બે-બે ગોવા, રાજસ્થાન, મહારાષ્ટ્રના છે. જ્યારે એક-એક હિમાચલ અને જમ્મુ કાશ્મીરથી છે. રવિવારે તેમને અમૃતસરથી દિલ્હી રવાના કરાશે તેમ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું હતું સાથે જ વારંવાર અમૃતસર એરપોર્ટને જ ડિપોર્ટેશન માટે પસંદ કરાતા કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા.
બીજુ વિમાન પણ પંજાબના અમૃતસરમાં ઉતરતા રાજકારણ ગરમાયું છે. પંજાબના મુખ્યમંત્રીએ દાવો કર્યો છે કે કેન્દ્ર સરકાર ધાર્મિક શહેર અમૃતસરને બદનામ કરવા અહીંયા જ ગેરકાયદે ભારતીયોનું વિમાન ઉતારાવી રહી છે. જાબના મુખ્યમંત્રી ભગવંત માને આ પહેલા કહ્યું હતું કે અમે એક પણ ભારતીયને ભુખ્યા નહીં જવા દઇએ, તેમના રાત્રી રોકાણની વ્યવસ્થા પણ કરવામાં આવશે. અમેરિકાથી પંજાબ આવેલા પંજાબીઓમાંથી જે લોકો નોકરીને લાયક હશે તેમને રોજગાર આપવામાં આવશે. કેન્દ્ર સરકાર પર પ્રહારો કરતા ભગવંત માને કહ્યું હતું કે આ પવિત્ર શહેર અમૃતસરને ડિપોર્ટેશન સેન્ટર ના બનાવો.
માને કહ્યું હતું કે, પંજાબ સિવાયના લોકોને રવિવારે અમૃતસરથી દિલ્હી લાવવામાં આવશે. જ્યાંથી તેમના રાજ્યમાં તેમને લઇ જવામાં આવશે. આ સાથે જ ભગવંત માને અગાઉ અમેરિકાના સેનાના વિમાનને સરહદી રાજ્ય પંજાબમાં ઉતારવાની અનુમતી આપવા બદલ પણ કેન્દ્ર સરકારને ટીકા કરી હતી અને કહ્યું હતું કે પંજાબે દેશની આઝાદીમાં બહુ બલિદાન આપ્યું છે, મોદીને પંજાબ પસંદ નથી તેથી આ પ્રકારનું વર્તન કરી રહ્યા છે. અમેરિકાએ અગાઉ સેનાના વિમાનમાં ગેરકાયદે રહેતા ભારતીયોના હાથ પગ બાંધીને મોકલ્યા હતા, જેનો વીડિયો પણ જાહેર કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500