Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

UKમાં દર વર્ષે 3 હજાર ભારતીય યુવાનોને વિઝા આપવાની યોજનાને લીલીઝંડી

  • November 17, 2022 

બ્રિટનનાં ભારતીય મૂળનાં વડાપ્રધાન રિશિ સુનકે બુધવારે યુનાઈટેડ કિંગ્ડમ (યુકે)માં બે વર્ષ સુધી કામ કરવા માટે દર વર્ષે 3 હજાર ભારતીય યુવાનોને વિઝા આપવાની યોજનાને લીલીઝંડી આપી દીધી છે. બ્રિટિશ સરકારે જણાવ્યું હતું કે, બ્રિટન સાથે આ પ્રકારની યોજનાનો લાભ મેળવનાર ભારત પહેલો દેશ છે. દરમિયાન રિશિ સુનકે બાલીમાં કહ્યું હતું કે, તેઓ ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) કરવા માટે ઝડપના ભોગે ગુણવત્તા સાથે સમાધાન કરવા માગતા નથી. તેઓ આ દિશામાં આગળ વધવામાં થોડોક સમય લેશે. યુકેનાં પ્રધાનમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે, આજે યુકે-ઈન્ડિયા યંગ પ્રોફેશનલ્સ સ્કીમની પુષ્ટી કરાઈ છે, જેમાં 18 થી 30 વર્ષની વયના ડિગ્રી ધરાવતા શિક્ષિત ભારતીય યુવાનોને બ્રિટનમાં બે વર્ષ સુધી રહેવા અને કામ કરવા માટે 3 હજાર વિસા આપવાની જાહેરાત કરાઈ છે.


બાલીમાં G-20 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય મૂળના બ્રિટિશ વડાપ્રધાન રિશિ સુનક વચ્ચે બેઠકના થોડાક જ કલાકમાં લંડન ખાતે ડાઉનિંગ સ્ટ્રીટથી વિઝાની નવી યોજનાની જાહેરાત કરાઈ હતી. ગયા મહિને રિશિ સુનકે વડાપ્રધાનપદ સંભાળ્યા પછી પીએમ મોદી અને સુનક વચ્ચે આ પહેલી બેઠક હતી. ડાઉનિંગ સ્ટ્રીટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ યોજનાનો શુભારંભ ભારત સાથે અમારા દ્વિપક્ષીય સંબંધો અને ભારત-પ્રશાંત ક્ષેત્ર સાથે મજબૂત સંબંધો બનાવવા માટે બ્રિટનની વ્યાપક કટિબદ્ધતા વ્યક્ત કરે છે. આ બંને દેશો માટે એક મહત્વપૂર્ણ ક્ષણ છે. વિઝાની આ યોજના પારસ્પરિક હશે અને ભારત સાથે યુકેના દ્વિપક્ષીય સંબંધો માટે તે ઘણી જ મહત્વની છે.

દરમિયાન બાલીમાં G-20 બેઠક સમયે બ્રિટિશ વડાપ્રધાન રિશિ સુનકે કહ્યું કે, ભારત સાથે અમારા ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોનું મૂલ્ય હું સ્પષ્ટ રીતે સમજું છું. ભારતના પ્રતિભાશાળી યુવાનોને બ્રિટનમાં વસવાટનો અનુભવ આપવાનીતક આપતા મને ખૂબ જ આનંદ થાય છે. એ જ રીતે આ વિઝા કાર્યક્રમ મારફત અમને અમારા અર્થતંત્ર અને સમાજને વધુ સમૃદ્ધ બનાવવાની તક મળશે. આપણી સુરક્ષા અને સમૃદ્ધિ માટે ભારત-પેસિફિક સાથેના સંબંધોના મહત્વને અમે સમજીએ છીએ. આ પ્રદેશના અર્થતંત્રો ખૂબ જ ઝડપથી વિકસી રહ્યા છે અને આગામી દાયકો આ પ્રદેશમાં શું થઈ રહ્યું છે તેનાથી નિશ્ચિત થશે.

ડાઉનિંગ સ્ટ્રીટે એક નિવેદનમાં કહ્યું કે ભારત-પ્રશાંત ક્ષેત્રના લગભગ કોઈપણ દેશની સરખામણીમાં બ્રિટનના ભારત સાથે વધુ સંબંધ છે. બ્રિટનમાં બધા જ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાંથી લગભગ ચોથા ભાગના ભારતીય હોય છે અને યુકેમાં ભારતીયોનું રોકાણ 95 હજાર નોકરીઓ પૂરી પાડે છે. બ્રિટન હાલમાં ભારત સાથે એક વેપાર કરાર પર વાત કરી રહ્યું છે. આ કરાર થઈ જશે તો ભારત દ્વારા કોઈ યુરોપીયન દેશ સાથે કરાયેલો આ પ્રકારનો પહેલો કરાર હશે. આ વેપાર કરાર યુકે-ભારતના વ્યાપારિક સંબંધો પર આધારિત હશે, જે પહેલાથી જ 24 અબજ પાઉન્ડ છે.

દરમિયાન બ્રિટિશ વડાપ્રધાન રિશિ સુનકે સંકેત આપ્યા છે કે, જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે તે ભારત સાથેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ)માં હજુ થોડો સમય લાગી શકે છે. સુનકે કહ્યું હતું કે તેઓ તેમના પૂરોગામી લિઝ ટ્રસની સરખામણીમાં આ સોદા અંગે અલગ દૃષ્ટિકોણ અપનાવશે. તેઓ ઝડપથી સોદો થાય તે માટે ગુણવત્તા સાથે સમજૂતી નહીં કરે. યુરોપીયન યુનિયનમાંથી નિકળી ગયા પછી બ્રિટને કરેલા વેપાર સોદાઓની ટીકા થયા પછી સુનકે કહ્યું કે તે ભારત જેવા દેશો સાથે એફટીએ અંગે વાટાઘાટોમાં કોઈ ઉતાવળ નહીં કરે.

સુનકે કહ્યું કે, મારી દૃષ્ટિએ અમે ગતિ માટે ગુણવત્તાનો ત્યાગ નહીં કરીએ. હું ભારત સાથે વેપાર સોદા માટે હજુ થોડો સમય લઈશ, કારણ કે કેટલીક બાબતોને વ્યવસ્થિત કરવાની જરૂર છે. આ સાથે તેમણે આશા વ્યક્ત કરી હતી કે બ્રિટન અને અમેરિકા તેના આર્થિક સંબંધોને વધુ ગાઢ બનાવી શકે છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે તેમણે અમેરિકન પ્રમુખ બાઈડન સાથે વિશેષસરૂપે એફટીએ અંગે કોઈ વાત નથી કરી. સુનિકે કહ્યું કે બાઈડેન સાથે તેમને આર્થિક અને ઊર્જા સંબંધો અંગે વાતચીત થઈ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application