Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત શહેરમાંથી એમ.ડી.ડ્રગ્સ સાથે બે યુવકો ઝડપાયા

  • May 03, 2024 

સુરત ફરી ડ્રગ્સ સીટી બનવા જઈ રહ્યું હોય તેમ લાગે છે જેથી એસ.ઓ.જી.એ રામપુરામાંથી ઉચ્ચ ક્વોલીટીનું 1 કિલોગ્રામ એમ.ડી.ડ્રગ્સ ઝડપી લીધા બાદ ઉધના દરવાજા અને લાલગેટ વિસ્તારમાંથી વધુ બે યુવક 209.36 એમ.ડી.ડ્રગ્સ સાથે ઝડપાયા છે. ક્રાઈમ બ્રાન્ચ પેટ્રોલીંગમાં હતી ત્યારે ઉધના દરવાજા પાસે રુસ્તમપુરાનો યુવક પોલીસને જોઈ ભાગતા તેનો પીછો કરી જડતી લેતા 197.42 ગ્રામ ડ્રગ્સ મળ્યું હતું. જયારે લાલગેટ પોલીસે તાતવાડા મદીના મસ્જીદ મહોલ્લામાં રહેતા યુવકનાં ઘરે રેઈડ કરી 11.94 ગ્રામ ડ્રગ્સ કબજે કર્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલા યુવકને ડ્રગ્સ ડિલિવરી કરવા આપનાર સૈયદપુરાના યુવાનને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી.


સુરતના પોલીસ કમિશ્નરપદેથી અજયકુમાર તોમર વયનિવૃત્ત થતા તે અગાઉ તેમણે શરૂ કરેલી ‘નો ડ્રગ્સ ઈન સુરત સીટી’ ઝુંબેશને પગલે સુરતમાં ડ્રગ્સના કારોબાર કરનારાઓ વિરુદ્ધ રેકોર્ડબ્રેક કેસો થયા હતા. જોકે તેમની નિવૃત્તિ બાદ અને નવા પોલીસ કમિશ્નરને ચાર્જ સોંપાયો તે અરસામાં સુરતના નશાના સોદાગરો ફરી સક્રિય થયા હતા. તેને પરિણામે જ એસ.ઓ.જી.એ રામપુરા વિસ્તારમાંથી રૂપિયા 1 કરોડના એક કિલોગ્રામ ઉચ્ચ ક્વોલીટીના એમ.ડી.ડ્રગ્સને ઝડપી પાડયું હતું. જયારે તેની ડીલ કરવા ભેગા થયેલા બે યુવક પોલીસને જોઈ ભાગી ગયા હતા જે હજુ પણ ફરાર છે દરમિયાન વીતેલા 24 કલાકમાં સુરતના ઉધના દરવાજા અને લાલગેટ વિસ્તારમાંથી વધુ બે યુવાન 209.36 એમ.ડી.ડ્રગ્સ સાથે ઝડપાયા હતા.


ક્રાઈમ બ્રાન્ચની ટીમ બાઈક અને મોપેડ ઉપર ઉધના દરવાજા વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે ટ્રાફિક ચોકી આવકાર ટેલરની પાછળ તૈયાર પાનની ગલીમાં એક યુવક પોલીસને જોઈ ભાગીને એક ઘરની સીડી ચઢતા ક્રાઈમ બ્રાન્ચે તેનો પીછો કરી ઝડપી લીધો હતો. ઝડપાયેલા યુવાન મોહમદ તોકીર ઉર્ફે તોસીફ હનીફ શેખ (ઉ.વ.22, રહે.રૂસ્તમપુરા, ચલમવાડ, પોલીસ ચોકીની સામે, સુરત. અને ઘર નં.40, ગલી નં.3, ખ્વાજા નગર ઝુપડપટ્ટી, માન દરવાજા, સુરત)ની ક્રાઈમ બ્રાન્ચે જડતી લેતા તેના ટ્રેક પેન્ટના ખિસ્સામાંથી રૂપિયા 19,74,200/-નું 197.42 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ થેલીમાં મળ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે તેની પાસેથી રૂપિયા 70 હજારનો ફોલ્ડ મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા 1200 મળી કુલ રૂપિયા 20,45,400/-નો મુદ્દામાલ કબજે કરી પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, તેને ડ્રગ્સનો જથ્થો ડિલિવરી કરવા માટે સૈયદપુરા ઘંટીવાલા ચાલમાં રહેતા રેહાન જાવીદ શેખે આપ્યો હતો તે અને જાવીદ છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સનો વેપાર કરે છે. ક્રાઈમ બ્રાન્ચે આ અંગે ગુનો નોંધી જાવીદને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News