ઓલપાડ કાંઠાના ધનશેર ગામેથી ઈકો કારમાંથી રૂપિયા ૧.૪૦ લાખની કિંમતનો દેશી દારૂનો જથ્થો સુરત શહેરમાં લઈ જતા બે શખ્સોને પોલીસે કાંઠાના તેના ગામેથી ઝડપી પાડી બે મહિલા બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી હતી. સુરત જિલ્લા એલ.સી.બી. પોલીસ મંગળવારના રોજ ઓલપાડ કાંઠા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે વખતે બાતમી મળી હતી કે, ઈકો કાર કારમાં કાંઠાના ધનશેર ગામથી દેશી દારૂનો જથ્થો ભરી સુરત શહેરમાં સપ્લાય થનાર છે.
જેથી પોલીસે તેના ગામની સીમમાં ધનશેરથી દામકા તરફ જતા રોડ ઉપર રાંગ મહોલ્લાની બાજુમાં વોચ ગોઠવી નાકાબંધી કરી હતી. તે દરમિયાન ત્યાંથી પસાર થતી ઈકો કારની તલાશી લેતા કારમાંથી પ્લાસ્ટિકના જુદા-જુદા કેરબામાં ભરેલ ૭૦૦ લિટર દેશી દારૂ, જેની કિંમત રૂપિયા ૧.૪૦ લાખ, ઈકો કાર, જેની કિંમત રૂ.૧ લાખ તથા મોબાઈલ નંગ-૨ મળી કુલ રૂ.૨.૬૦ લાખની કિંમતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આમ, પોલીસે આ ગુનામાં મૂળ ઉત્તરપ્રદેશના બે યુવક પૈકી કાર ચાલક રાહુલ વિનોદ સહાની (હાલ રહે. મોરા ટેકરા, સુરત શહેર) તથા ભટલાઈ ગામે રહેતો સુજીત બંસીધર રામને દબોચી લીધા હતાં. પોલીસે દેશી દારૂ આપનાર ધનશેર ગામની સુશીલા ચંદુ પટેલ અને દેશી દારૂ મંગાવનાર લક્ષ્મી ઉર્ફે લખી હરીશ પટેલ (રહે.ભટલાઈ, તા.ચોર્યાસી)ને વોન્ટેડ જાહેર કરી હતી. આમ, પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500