સમગ્ર મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણની માંગણી તીવ્ર બની છે અને મરાઠા આરક્ષણની માંગણી સાથે મનોજ જરાંગે પાટીલ ફરીથી ઉપવાસ પર બેઠા છે, ત્યારે દિવસમાં મરાઠા આરક્ષણની માંગણી સાથે બે યુવકોએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો છે. મરાઠા આરક્ષણની માંગણી સાથે હિંગોલી અને છત્રપતિ સંભાજીનગરમાં બે યુવકોએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બાબતની પ્રથમ ઘટનામાં હિંગોલીના દેવજના ગામમાં રહેતા એક યુવક કૃષ્ણ કલ્યાણકરે આજે સવારે તેના ખેતરમાં જઈ એક ઝાડ પર ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
આ યુવકે આત્મહત્યા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી. જે અહીંના બાળાપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓને મળી આવી હતી. આ સુસાઇડ નોટમાં મૃતક કૃષ્ણાએ પોતે મરાઠા આરક્ષણ માટે આત્મહત્યા કરી રહ્યો હોવાનો ખુલાસો કર્યો હતો. આ ઘટના બાદ પોલીસે કૃષ્ણાના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં મોકલી આપી વધુ તપાસ આદરી છે. આ પ્રકારની બીજી ઘટના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં આપતગાવમાં બની હતી. અહીં રહેતા ગણેશ કુબેર નામના એક યુવકે મરાઠા આરક્ષણની માગણી સાથે અહીંની એક સ્કૂલના બ્લેકબોર્ડ પર સુસાઇડ નોટ લખી આત્મહત્યા કરી લીધી હતી.
આ યુવકે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, જ્યાં સુધી મરાઠા આરક્ષણ મળે નહીં ત્યાં સુધી તેના મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં ન આવે. આ ઘટનાની જાણ થતા જ પોલીસની એક ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બાબતની જાણ થતા મોટી સંખ્યામાં ગામવાસીઓ મૃતક યુવકના ઘરે પહોંચી ગયા હતા અને આત્મહત્યા કરનારા યુવકની પત્ની અથવા તેના યુવાન સંતાનોને સરકારી નોકરી આપવાની માગણી કરી હતી. જો આ બાબતે લેખિત આશ્વાસન આપવામાં નહીં આવે તો મૃતકના અંતિમ સંસ્કાર નહીં કરવામાં આવે તેવી ભૂમિકા ગામવાસીઓએ લીધી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500